– વિપક્ષ દ્વારા 17 જુલાઈના રોજ યોજાયેલ સામાન્ય સભામાં વર્ષ 2025-26 માં 2,80,44,371 નો આઉટ સોર્સીંગ સહિત વિવિધ ખર્ચ દર્શાવતા વિપક્ષી સભ્યોએ વિગત વાર હિસાબ માંગતા સભા બહુમતીના જોરે પૂર્ણ કરવામાં આવી હતી
– આગામી દિવસોમાં જનતા પાસે જઈ ઉઘરાવીને 70 હજારની ચુકવણી કરશે વિપક્ષ
– આ મુદ્દે વિપક્ષ ઉગ્ર આંદોલન કરવા સાથે કમિશ્નર સહિત હાઈકોર્ટના દ્વાર ખખડાવશે
ભરૂચ,
ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું છે.કોંગ્રેસે હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરતા સત્તાધારી પક્ષ અને નગરપાલિકા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જોકે, ચીફ ઓફિસરે તમામ આક્ષેપોને નકારી નિયમ મુજબ કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું છે.
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો અંગે ચર્ચા દબાવી દેવામાં આવી હોવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ આક્ષેપ કર્યો છે.કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું કે 17 જુલાઈ 2026ની સામાન્ય સભામાં હિસાબો અંગે વિગતવાર ચર્ચા અને પુરાવા રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ સત્તાધારી પક્ષે હોબાળો મચાવી કોઈ ચર્ચા કે મતદાન વગર જ સભા પૂર્ણ કરી દીધી.
કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો કે હિસાબોની માહિતી મેળવવા માટે નગરપાલિકા દ્વારા અંદાજે 70 હજાર ફી માંગવામાં આવી હતી, જ્યારે ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 મુજબ ચૂંટાયેલા સભ્યોને આવી માહિતી નિઃશુલ્ક મેળવવાનો અધિકાર છે.કોંગ્રેસે વર્ષ 2025-26ના હિસાબો માટે ફરીથી ખાસ સામાન્ય સભા બોલાવી ચર્ચા અને મતદાન બાદ મંજૂરી આપવા, માંગેલી માહિતી વિનામૂલ્યે આપવા તેમજ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે.કોંગ્રેસે ચેતવણી પણ આપી છે કે આગામી સાત દિવસમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં હેમેન્દ્ર કોઠીવાલા,સમસાદ અલી સૈયદ,ઝુબેર પટેલ,જીગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા.
આ સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વોર્ડ નંબર-1ના સભ્ય દ્વારા વર્ષ દરમ્યાન થયેલા કામોની વિગતો,ટેન્ડરની નકલ સહિત 40 હજારથી વધુ પાનાંની માહિતી માંગવામાં આવી હતી.આટલા મોટા પ્રમાણમાં ઝેરોક્ષ કરાવવા માટેનો ખર્ચ વસૂલવાનો પત્ર પાલિકાના નિયમો મુજબ જ આપવામાં આવ્યો હતો.તેમણે જણાવ્યું કે જો આ ખર્ચ પાલિકા ઉઠાવે તો જાહેર નાણાંનું આર્થિક નુકસાન થાય તેથી નિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે.




