– સરકારી કામગીરીમાં અવરોધ,ધમકી અને હોબાળાના આક્ષેપો હેઠળ બીએનએસની વિવિધ કલમો લાગુ
– કોંગ્રેસે ફરિયાદને રાજકીય કિન્નાખોરી ગણાવી તમામ આરોપો ફગાવી પુરાવા કોર્ટમાં રજૂ કરશે
ભરૂચ,
આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય એક મળી કુલ બે સામે તાલુકા વિકાસ અધિકારીએ બીએનએસની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી (TDO)ની ફરિયાદના આધારે કોંગ્રેસના આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્રકુમાર ઉર્ફે કાજી રાજેન્દ્રભાઈ પટેલ તથા ચિંતન રાજેન્દ્રભાઈ પટેલ સામે સરકારી કર્મચારીને ફરજ બજાવવામાં અવરોધ ઉભો કરવો, ધમકી આપવી અને સરકારી કામગીરીમાં દખલગીરી કરવાના આક્ષેપો હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 221, 224, 352, 351(3) અને 3(5) મુજબ આમોદ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર તા. 4 ઓગસ્ટ 2026ના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી પોતાની ચેમ્બરમાં સરકારી કામગીરી કરી રહ્યા હતા ત્યારે બંને વ્યક્તિઓ કચેરીમાં પહોંચ્યા હતા.ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બંનેએ કચેરીમાં ઉગ્ર બોલાચાલી કરી,સરકારી અધિકારી સાથે ગેરવર્તન કર્યું,અપશબ્દો બોલ્યા, ધમકી આપી અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. આ ઘટનાથી કચેરીના કર્મચારીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
તાલુકા વિકાસ અધિકારીની લેખિત અરજીના આધારે આમોદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર ઘટનાની તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સમગ્ર મામલાને રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત ગણાવી પોલીસ ફરિયાદમાં કરાયેલા તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર પટેલ જણાવ્યા મુજબ તેમની પાસે ઘટનાને લગતા પરાવા ઉપલબ્ધ છે જે યોગ્ય સમયે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. સાથે જ નિષ્પક્ષ તપાસની માંગ પણ કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે આમોદ તાલુકાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.એક તરફ સરકારી અધિકારીની ફરિયાદના આધારે ગુનો નોંધાયો છે,જ્યારે બીજી તરફ કોંગ્રેસે આ કાર્યવાહી રાજકીય બદલો હોવાનું કહી તમામ આરોપોને ફગાવ્યા છે.હાલ સમગ્ર મામલાની તપાસ આમોદ પોલીસ ચલાવી રહી છે.




