– નર્મદાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ કોમ્પ્યુટર, પ્રિન્ટર,ઈન્ટરનેટ અને અન્ય ટેકનિકલ સુવિધાઓનો પૂરતો અભાવ છે
– નોટિફિકેશન પરત ખેંચવામાં નહીં આવે તો વધુ જ્વલંત અને વ્યાપક આંદોલનની ચીમકી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર મુજબ તમામ અરજીઓ માત્ર A-4 સાઈઝના કાગળ પર લોહિત ફોન્ટમાં કોમ્પ્યુટરાઈઝ્ડ સ્વરૂપે રજૂ કરવાની ફરજિયાત જોગવાઈ અંગે નર્મદા જિલ્લા બાર એસોસિએશને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને આજ રોજ સુત્રોચાર સાથે રેલી કાઢી કામકાજ થી અળગા રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ બાબતે અગાઉ પણ નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ, ગુજરાત હાઇકોર્ટ, વહીવટી ન્યાયમૂર્તિ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ નર્મદાને રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવાયું હતું કે રાજ્યના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઇન્ટરનેટ અને અન્ય ટેકનિકલ સુવિધાઓનો પૂરતો અભાવ છે. આવી સ્થિતિમાં નવી વ્યવસ્થા સામાન્ય વાદકારો તેમજ ગ્રામ્ય વિસ્તારના વકીલો માટે ગંભીર મુશ્કેલી ઊભી કરશે છે અને ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ તથા વધારાનો આર્થિક બોજ ઊભો થશે.નર્મદા જિલ્લા બાર એસોસિએશને માંગણી કરી છે કે જ્યાં સુધી રાજ્યભરમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હાથથી લખેલી અરજીઓ તથા ફૂલસ્કેપ કાગળ પરની અરજીઓ અગાઉની જેમ સ્વીકારવામાં આવે. સાથે જ, હાલ બહાર પાડવામાં આવેલ આ નોટિફિકેશન કાયમી ધોરણે રદ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. સાથેજ નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે વધુમાં એવો પણ ઠરાવ કરવામાં આવ્યો છે કે આજથી અનિશ્ચિત સમય સુધી નર્મદા જિલ્લાના વકીલો અદાલતી કામગીરીથી અળગા રહેશે.જો સોમવાર સુધી આ નોટિફિકેશન પરત ખેંચવામાં નહીં આવે તો મંગળવારથી વધુ જ્વલંત અને વ્યાપક આંદોલન શરૂ કરવામાં આવશે.




