ભરૂચ,
અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસથી દશામાની સ્થાપના કરી દશ દિવસીય વ્રતનો પ્રારંભ થનાર હોવાથી આમોદના બજારોમાં ધાર્મિક માહોલ સાથે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી.
દશામાના વ્રતને લઈને મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દશામાની પ્રતિમા ખરીદવા ઉપરાંત વ્રત દરમિયાન જરૂરી માતાજીની ચૂંદડી, બંગડી, નાગરવેલના પાન, શ્રીફળ,નાડાછડી, પૂજા સામગ્રી, પ્રતિમાનો શણગાર તેમજ પ્રસાદ સહિતની વિવિધ વસ્તુઓની ખરીદી માટે લોકો બજારમાં પહોંચ્યા હતા.જેના કારણે આમોદના બજારમાં વેપારીઓની દુકાનો પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.ખાસ કરીને મહિલાઓમાં દશામાની સ્થાપના અને વ્રતને લઈને ભારે શ્રદ્ધા જોવા મળી હતી.
દશામાના વ્રત દરમ્યાન શ્રદ્ધાળુઓ દ્વારા ધાર્મિક માન્યતાઓ અને પરંપરા મુજબ વિવિધ નિયમોનું પાલન કરવામાં આવે છે.દશ દિવસ સુધી ચાલનારા આ વ્રત દરમ્યાન અનેક પરિવારોમાં સાત્વિક વાતાવરણ જાળવવામાં આવે છે અને પરિવારજનો દ્વારા પૂજા-અર્ચના સહિત દશામાની વાર્તાનું શ્રદ્ધાપૂર્વક પઠન કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દશામાનું વ્રત ખાસ કરીને સામાન્ય અને શ્રમિક વર્ગ સહિત ગરીબ પરિવારોમાં વધુ લોકપ્રિય બન્યું છે.વર્ષોથી અનેક પરિવારોમાં દશામાની સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાની પરંપરા જળવાઈ રહી છે.દશામાના વ્રતને લઈને આમોદ નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.દશામાના પર્વને કારણે મૂર્તિ, પૂજા સામગ્રી, શણગારની વસ્તુઓ, પ્રસાદ તેમજ અન્ય ચીજવસ્તુઓના વેપારીઓમાં પણ ખરીદી વધતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.




