– 80,000 નો દંડ તથા ભોગ બનનારને 3લાખના વળતરનો હુકમ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
એડિશનલ સેશન્સકોર્ટ નર્મદાએ પોક્સો કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં આરોપી અનિલ રમણ તડવીને દોષિત ઠેરવી 20 (વીસ) વર્ષની સખત કેદની સજા અને 80,000 દંડ તેમજ ભોગ બનનારને 3,00,000 વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ, આરોપીએ સગીરા સાથે ઓળખાણ અને વિશ્વાસનો લાભ લઈ તેને પોતાના કબજામાં રાખી તેની સાથે વારંવાર જાતીય શોષણ કર્યું હતું. ભોગ બનનારના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.તપાસ દરમ્યાન ભોગ બનનારનું નિવેદન, તબીબી પુરાવા, સાક્ષીઓના નિવેદનો, વૈજ્ઞાનિક પુરાવા તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી.
ટ્રાયલ દરમ્યાન સરકાર પક્ષ દ્વારા રજૂ કરાયેલા મૌખિક, દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે માનનીય અદાલતે આરોપી સામેનો ગુનો શંકાથી પર સાબિત થયેલ હોવાનું ઠરાવી ઉપરોક્ત સજા ફટકારી હતી.
આ કેસમાં સરકાર પક્ષ તરફેથી જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલ દ્વારા અસરકારક દલીલો રજૂ કરવામાં આવી હતી, જેના આધારે આરોપીને દોષિત ઠેરવવામા આવ્યો હતો.બાળકોની નિર્દોષતા સાથે ચેડાં કરનારને કાયદો કોઈપણ સંજોગોમાં માફ કરતો નથી અને અદાલતો પણ આવા ગુનાઓમાં કડક અભિગમ અપનાવી રહી છે.




