– સવારે ૯ કલાકે આરોગ્ય મંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવનાર છે અને ૨૨ ગામોમાં ૧૦ વાગ્યે ગ્રામસભાઓ રાખવાનું આયોજન છે જે કેટલા અંશે વ્યાજબી ગણાય!
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકા મથક ખાતે ૮૦ માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉજવણીમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે પ્રોટોકોલ મુજબ ધ્વજ વંદન કરવામાં આવનાર છે,ત્યારે આજ દિવસે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીના એક કલાક બાદ એટલે કે સવારે ૧૦ કલાકે જ ઝઘડિયાના ૨૨ ગામોમાં ફરજિયાત ગ્રામસભા યોજવાનું આયોજનનું ફરમાન કરવામાં આવ્યું છે જે કેટલું યોગ્ય કહેવાય!! આ બાબતે કોંગ્રેસના તાલુકા પ્રમુખ ધનરાજ વસાવા એ એક પત્ર લખી તાલુકા વિકાસ અધિકારીને ગ્રામસભા મોકુફ રાખવા માટે અપીલ કરી છે,તેમણે વધુમાં જણાવ્યું છે કે એકતાનગર રોડ અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સિક્સ લેન રોડના સંપાદન માટે જે ગામ સભાનું આયોજન તારીખ ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ૧૦ કલાકે કરવાનું ઝઘડિયા તાલુકાના લગભગ ૨૨ ગામોમાં યોજવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર દીનની ઉજવણીનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ઝઘડિયા ખાતે યોજાઇ રહ્યો જ હોય ત્યારે ઝઘડિયાના ૨૨ ગામોના લોકો આ કાર્યક્રમમાં હાજર રહેવા માંગતા હોય ત્યારે તેઓ ગ્રામસભામાં હાજર રહેવું શક્ય બને તેમ નથી!! શું આ ગામના બાળકો મહિલાઓ અને પુરુષો સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં ભાગ લેવાનો અધિકાર નથી?
૧૫ મી ઓગસ્ટ ના રોજ જાહેર રજાનો દિવસ હોય જેથી લોકો સ્વાતંત્ર દિવસનો પર્વ ઉજવણી કરી શકે,ત્યારે આ દિવસે ગ્રામસભાનું આયોજન કેટલુ યોગ્ય છે? તાત્કાલિક ધોરણે આ ૨૨ ગામોની ગ્રામસભા મોકુફ રાખી અન્ય દિવસે ગ્રામસભા યોજવાનું જાહેર કરવા રજૂઆત કરવામાં આવી છે.




