નેત્રંગ,
ભરૂચની નેત્રંગ પોલીસે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને હાથ ધરેલા વાહન ચેકિંગ દરમ્યાન આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે.9.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
નેત્રંગ પોલીસ ચેકિંગમાં હતી તે દરમ્યાન ડેડીયાપાડા તરફથી આવતી MP-05-CB-3246 નંબરની હ્યુન્ડાઈ i20 કારને જોઈ તેમાં સવાર શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે પીછો કરી કારને રોકી તપાસ હાથ ધરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે ફરાર થયેલા અન્ય આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું.કાર માંથી સોના-ચાંદી જેવા દેખાતા ઘરેણાં,ભગવાનની નાની-મોટી મૂર્તિઓ, દીવાની થાંભલીઓ અને પત્રીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.પૂછપરછમાં આરોપીઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલગાવી જિલ્લાના કિટ્ટુર ખાતે સોનીની દુકાન માંથી ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું બહાર આવ્યું છે.પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કુલ 9.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.જેમાં 4.37 લાખના ઘરેણાં અને અન્ય સામાન,5 લાખની કાર તથા રૂ.35 હજારના ચાર મોબાઈલનો સમાવેશ થાય છે.પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના દિલીપસિંઘ રાવત અને નારનસિંઘ ઉર્ફે પવન રાવત તેમજ મધ્યપ્રદેશના અર્જુનસિંઘ રાઠોડનો સમાવેશ થાય છે.પોલીસે તપાસ દરમ્યાન કિટ્ટુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘરફોડ ચોરીનો ગુનો પણ શોધી કાઢ્યો હતો.




