(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં સાગબારા-ઉમરપાડા જંગલ જમીનના હક્કનો વિવાદ હવે માત્ર ખેડૂતોનો પ્રશ્ન ન રહેતા રાજકીય ટકરાવનું કેન્દ્ર બન્યો છે.એક તરફ સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ધરણાં ચાલી રહ્યાં છે તો બીજી તરફ ઉમરપાડાના ખેડૂતો પણ પોતાની જમીન બચાવવા મેદાનમાં ઉતર્યા છે.આ સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થતાં રાજકીય ગરમાવો વધ્યોછે.
સાગબારા જંગલ જમીનના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ભાજપ સરકાર અને તેના આગેવાનો પર આકરા પ્રહારો કર્યા છે.અનંત પટેલે આક્ષેપ કર્યો કે ભાજપ પોતાની વોટબેન્ક સાચવવા માટે ખેડૂતો સાથે રાજકીય સ્ટંટ કરી રહ્યું છે.તેમણે સવાલ ઉઠાવ્યો કે રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં ભાજપના જ ધારાસભ્ય અને સાંસદે ખેડૂતોના પ્રશ્ને ધરણાં પર બેસવું પડે છે તો તેના કરતાં રાજકારણ છોડી દેવું જોઈએ. તેમણે સરકાર સામે કટાક્ષ કરતાં કહ્યું કે, “પોતાની સરકાર છે, માં પીરસવા બેઠી છે ને છોકરા ભૂખે મરે એ કેવું?” અનંત પટેલે એવો પણ દાવો કર્યો કે સાંસદ અને ધારાસભ્યનું સરકારમાં કોઈ ઉપજતું નથી અને ભાજપના આગેવાનો ધરણાનું નાટક કરી રહ્યા છે.
અનંત પટેલના આક્ષેપો બાદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે તેઓ કોપી ગામના ખેડૂતોના પ્રશ્નથી જ તેમના સમર્થનમાં ઊભા રહ્યા છે અને આ મામલામાં ક્યારેય રાજકારણને વચ્ચે લાવ્યું નથી. વસાવાએ જણાવ્યું કે ભાજપની સરકાર હોવા છતાં તેઓ ખેડૂતોની પડખે છે. ભૂતકાળમાં રિઝર્વ ફોરેસ્ટ અને સેન્ચુરી વિસ્તારમાં રસ્તા સહિતના પ્રશ્નો માટે પણ તેમણે ભાજપની સરકાર દરમિયાન ધરણાં કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે ઇકો-સેન્સિટિવ ઝોનના મુદ્દે સાંસદ પદેથી રાજીનામું આપ્યાનું પણ યાદ અપાવ્યું. અનંત પટેલ રાજીનામું આપવાની વાત કરે છે તે અંગે વસાવાએ કહ્યું કે જો તેમના રાજીનામાથી ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાતો હોય તો તેઓ રાજીનામું આપવા તૈયાર છે.
સાગબારામાં ખેડૂતોના ધરણાં નવમા દિવસે પણ ચાલુ રહ્યાં છે. મહિલા આગેવાન લીલાબેન વસાવા છેલ્લા નવ દિવસથી અન્નનો ત્યાગ કરીને ધરણા પર બેઠાં છે. બીજી તરફ ઉમરપાડા ખાતે સ્થાનિક ખેડૂતો દ્વારા રેલી કાઢીને વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉમરપાડાના ખેડૂતોનો આક્ષેપ છે કે સાગબારા તાલુકાના ખેડૂતો દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતોની જમીન પચાવી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે, “એક ઇંચ પણ જમીન અમે આપીશું નહીં.” ખોટારામપુરા ગામના મહિલા સરપંચે પણ સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ગમે તેટલા નેતાઓ આવે, પરંતુ જંગલ જમીન પર તેમને ખેડાણ કરવા દેવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું.
આ સમગ્ર વિવાદ વચ્ચે સાગબારામાં ચાલી રહેલા ધરણા-પ્રદર્શન દરમિયાન લીલાબેન વસાવાએ પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઉમરપાડાના ખેડૂતોના આક્ષેપો અને જમીનના હક્કના મુદ્દે બંને પક્ષના દાવા-પ્રતિદાવા સામે આવી રહ્યા છે. એક તરફ સાગબારાના ખેડૂતો પોતાના હક્ક માટે આંદોલન કરી રહ્યા છે, જ્યારે ઉમરપાડાના ખેડૂતો પોતાની જમીન અંગે કોઈ સમાધાન ન કરવાની વાત કરી રહ્યા છે. રાજકીય આગેવાનો વચ્ચે પણ આરોપ-પ્રત્યારોપ તેજ બન્યા છે.હવે આ સંવેદનશીલ જંગલ જમીન અને આદિવાસી ખેડૂતોના હક્કના પ્રશ્ને સરકાર તથા વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.




