ભરૂચ,
એનટીપીસી ઝનોરમાં 80મો સ્વાતંત્ર્ય દિવસ હર્ષોલ્લાસ, ગૌરવ અને દેશભક્તિના ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે પ્રોજેક્ટ પરિસરમાં આયોજિત મુખ્ય સમારોહમાં અધિકારીઓ, કર્મચારીઓ, CISFના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
સમારોહનો પ્રારંભ દિનેશ કુમાર સિંહ રૌતેલા, પ્રોજેક્ટ હેડ (ઝનોર) તથા વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ, બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાઓ પર પુષ્પમાળા અર્પણ કરીને તથા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના સામૂહિક ગાન સાથે થયો હતો.ત્યાર બાદ રૌતેલા દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગાનની ભાવસભર રજૂઆત કરવામાં આવી. CISFના જવાનો દ્વારા રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી હતી.જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિની ભાવનાથી ગુંજી ઊઠ્યું.
મુખ્ય સમારોહને સંબોધતા શ્રી દિનેશ કુમાર સિંહ રૌતેલાએ સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તથા દેશની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા વીર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક નમન કર્યું. તેમણે જણાવ્યું કે સ્વતંત્રતા આપણને આપણા અધિકારોની સાથે-સાથે રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો અને જવાબદારીઓનું પણ ભાન કરાવે છે.તેમણે સૌને પ્રામાણિકતા, શિસ્ત અને કર્તવ્યનિષ્ઠા સાથે કાર્ય કરીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
રૌતેલાએ એનટીપીસી ઝનોરની સિદ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડતાં સુરક્ષિત, વિશ્વસનીય અને કાર્યક્ષમ વીજ ઉત્પાદન પ્રત્યેની પ્રોજેક્ટની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરી. તેમણે કર્મચારીઓને કાર્યસ્થળની સાથે-સાથે વ્યક્તિગત જીવનમાં પણ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો. તેમજ સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગથી દૂર રહી સમયનો સદુપયોગ કરવાનો સંદેશ આપ્યો હતો.
સ્વાતંત્ર્ય દિવસ સમારોહમાં સનબીન સ્કૂલ, બાલ ભવન સ્કૂલ અને બાલ ભારતી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો તથા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરીને સૌનું મન મોહી લીધું હતું.વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ રજૂઆતોથી સમગ્ર સમારોહ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો.ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને આ પ્રસંગે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
સમારોહ દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી અને નોંધપાત્ર યોગદાન બદલ કર્મચારીઓ તથા અન્ય પ્રતિભાગીઓને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા.તેમાં BUH Meritorious Award, NTPC Power Excel Award, CISF Best Performance Award, મેધા સ્પર્ધા પુરસ્કાર, સ્વચ્છતા પખવાડિયા પુરસ્કાર અને Best Students Awardનો સમાવેશ થાય છે.
સ્વાતંત્ર્ય દિવસના અવસરે એનટીપીસી ઝનોરના શક્તિ ભવન, સંકલ્પ ભવન, સનબીન સ્કૂલ સહિત ગાયત્રી મહિલા ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ પરિસરમાં પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.સમગ્ર આયોજન દરમિયાન દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને કર્તવ્યનિષ્ઠાની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી.




