– નર્મદા જિલ્લામાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન કાર્યક્રમ યોજાયો
– મહાનુભાવોના હસ્તે પુનઃપ્રવેશ અપાવવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરાયા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના માનનીય રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્ક્ષતામાં રાજપીપલાના ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ જીવનના સર્વાંગી વિકાસનું પ્રથમ પગથિયું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન વર્ષ-2003માં નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી શાળા પ્રવેશોત્સવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી રાજ્યમાં શાળા છોડતા બાળકોના પ્રમાણમાં સતત ઘટાડો નોંધાયો છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં કુલ 4,224 ડ્રોપઆઉટ બાળકોમાંથી 3,906 બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવવામાં સફળતા મળી છે.પરિણામે જિલ્લામાં 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે નર્મદા જિલ્લા માટે ગૌરવની સિદ્ધિ છે.
કાર્યક્રમ દરમ્યાન ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન અંગેની લઘુફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.તેમજ મહાનુભાવોના હસ્તે પુનઃપ્રવેશ અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.




