ભરૂચ,
સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.ત્યારે હવે આ વિરોધ ભરૂચ જિલ્લામાં પણ પહોંચ્યો છે.આમોદ અને જંબુસર તાલુકાના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ કંપનીના પ્રોજેક્ટના વિરોધમાં આમોદની રેવા સુગરથી ભરૂચ કલેક્ટર કચેરી સુધી વિશાળ ટ્રેક્ટર રેલી યોજાઈ હતી.
આ ટ્રેક્ટર રેલીમાં અંદાજે ૪૦ જેટલા ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.ખેડૂતો દ્વારા “જય કિસાન, જય જવાન” સહિતના નારા લગાવવામાં આવતા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન અને વળતર સહિતના મુદ્દાઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.ખેડૂતોની મુખ્ય માંગમાં જમીનના યોગ્ય મૂલ્યાંકન સાથે ચાર ગણું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
દરમ્યાન રેલીને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ટ્રેક્ટર રેલીના પાર્કિંગના મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી.
આમોદ-જંબુસર વિસ્તાર માંથી ખેડૂતો દ્વારા ટ્રેક્ટરો સાથે રેલી કાઢવામાં આવી હતી.રેલી કેલોદ નજીક મંદિર પાસે પહોંચતા ટ્રેક્ટરોના પાર્કિંગ બાબતે પોલીસે રેલી રોકી હતી.પોલીસે ટ્રેક્ટરોને આગળ જતાં અટકાવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને થોડા સમય માટે સ્થળ પર વાતાવરણ ગરમાયું હતું.
પોલીસ દ્વારા ટ્રેક્ટરોને રોકવામાં આવતા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.જો કે બાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેની સમજાવટ બાદ સ્થિતિ થાળે પડી હતી અને ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને આગળ રવાના થયા હતા.ઘટનાની જાણ થતાં આમોદના પીઆઈ સહિત જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ. ચૌધરી પણ સ્થળ પર પહોંચી ગયા હતા.
ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન પોલીસે ટ્રેક્ટરોને દેરોલ ગામે પાર્ક કરાવ્યા બાદ ખેડૂતોએ પોલીસ સાથેનો સંઘર્ષ ટાળવા માટે પગપાળા આગળ વધવાનો નિર્ણય લીધો હતો.આમોદ-જંબુસર વિસ્તારના ખેડૂતો સહિત અન્ય ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી સુધી પગપાળા જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ખેડૂતોના પગપાળા કૂચને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સહિત આગેવાનો પણ જોડાયા હતા.




