પરિવારથી વિખૂટા પડેલા મૂકબધિર બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી નર્મદા જિલ્લા મિશન વાત્સલ્ય ટીમ

SHARE:

– સોશ્યલ મીડિયા અને સંકલિત પ્રયાસોથી પરિવાર સુધી પહોંચ્યો ૧૧ વર્ષીય બાળક- બાળ કલ્યાણ સમિતિ જિલ્લા બાળ સુરક્ષા એકમ, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન અને પોલીસની સંવેદનશીલ કામગીરી

રાજપીપળા,

પરિવારથી વિખૂટા પડી ગયેલા અને બોલી તથા સાંભળી ન શકતા ૧૧ વર્ષીય બાળકને નર્મદા જિલ્લા મિશન વાત્સલ્ય ટીમ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી તેના પરિવાર સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું છે.બાળકને તેના પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં જિલ્લા તંત્રની સંવેદનશીલતા, ઝડપી કાર્યવાહી અને વિવિધ વિભાગો વચ્ચેના અસરકારક સંકલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એકતાનગર વિસ્તારમાં એકલવાયું ફરતા આ બાળક પ્રવાસીઓની નજરે પડતાં તેમણે તાત્કાલિક ૧૧૨ પોલીસ વાનનો સંપર્ક કરી બાળકને પોલીસને સોંપ્યો હતો. બાળક પાસેથી તેની ઓળખ તથા પરિવાર અંગેની માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી.કારણ કે બાળક બોલી અને સાંભળી શકતો ન હતો.તેમ છતાં બાળકની સલામતી અને યોગ્ય સંભાળને પ્રાથમિકતા આપીને પોલીસે તેને જરૂરી પ્રક્રિયા હેઠળ સુરક્ષિત રાખ્યો હતો.બાળકના વાલી-વારસનો તાત્કાલિક સંપર્ક ન થતાં બાળ કલ્યાણ સમિતિના આદેશ અનુસાર ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,રાજપીપળા ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. અહીં મિશન વાત્સલ્યની ટીમ દ્વારા બાળકની સંભાળ રાખવાની સાથે તેના પરિવારને શોધવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા હતા.

બાળકની ઓળખ અને પરિવાર સુધી પહોંચવા માટે પોલીસ વિભાગ દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.સતત પ્રયત્નો અને વિવિધ સ્તરે કરવામાં આવેલી તપાસના પરિણામે બાળક વડોદરા જિલ્લાના ડભોઈનો વતની હોવાનું જાણવા મળ્યું હતું.ત્યાર બાદ તેના પરિવારનો સંપર્ક સાધવામાં સફળતા મળી હતી.

પરિવારની ઓળખ અને જરૂરી ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાળ કલ્યાણ સમિતિ નર્મદા,જિલ્લા બાળ સુરક્ષા એકમ, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન તથા એકતાનગર પોલીસ સ્ટેશનના સંકલિત પ્રયાસોથી બાળકને સહીસલામત તેના પરિવારને સુપ્રત કરવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!