કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ

SHARE:

– હાથમા રાહુલ ગાંધીને સમર્થન કરતા પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યો : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત 

ભરૂચ,

ઉત્તરાખંડના હલ્દવાની ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ ભાજપ-આરએસએસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી કહેવાતી ‘શુદ્ધિકરણ વિધિ’ અને ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

ભરૂચ રેલવે સ્ટેશન નજીક ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા અને શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા.કોંગ્રેસ કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના આક્ષેપ મુજબ હલ્દવાનીમાં બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન કરી દલિત સમાજ તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું અપમાન કરનારા તત્વો સામે કાર્યવાહી કરવાને બદલે ઉત્તરાખંડ પોલીસે ભાજપ સરકારના ઈશારે રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટી FIR નોંધાવી છે.

વિરોધ પ્રદર્શન દરમ્યાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે વિવિધતામાં એકતા ભારતની ઓળખ છે.સર્વધર્મ સમભાવ અને લોકશાહીમાં માનનારા દેશમાં ભાજપ ફરીથી અસ્પૃશ્યતા અને જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની માનસિકતા દર્શાવી રહ્યું છે.ખડગે સાહેબની સભા સ્થળે કહેવાતું શુદ્ધિકરણ કરી દલિત સમાજ તેમજ કોંગ્રેસના દરેક કાર્યકરનું અપમાન કરવામાં આવ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધીએ આ ગંભીર મુદ્દે અવાજ ઉઠાવતા તેમને દબાવવાના પ્રયાસરૂપે ખોટી FIR દાખલ કરવામાં આવી છે. રાહુલ ગાંધી સામે 36થી વધુ કેસો નોંધાયેલા હોવા છતાં તેઓ નિર્ભયતાથી સંસદથી લઈને રસ્તા સુધી જનતાના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.”

કોંગ્રેસ પ્રમુખે રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIRને સખત શબ્દોમાં વખોડી કાઢી તેને તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી હતી.સાથે જ ના ડરેંગે,ના ઝુકેંગે ના મંત્ર સાથે કોંગ્રેસ જનતાના અને બંધારણીય મૂલ્યોના પ્રશ્નો માટે લડત ચાલુ રાખશે.

આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી,તાલુકા કોંગ્રેસ પ્રમુખ મકબુલ અભલી,મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબ તડવી,આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ,નગર સેવકો સમસાદ સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા અને ઝુબેર પટેલ, ઇમરાન પટેલ, જીગ્નેશ બ્રહ્મભટ્ટ સહિત જિલ્લા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો,પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!