– સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય, કાયદો-વ્યવસ્થા સહિત વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્માન કરાયું
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર અને શ્રેષ્ઠ કામગીરી કરનાર આશરે 70 જેટલા શ્રેષ્ઠીઓનું ‘નર્મદા રત્ન એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં પોતાની કામગીરીથી આગવી ઓળખ ઉભી કરનાર પ્રતિભાઓને મોમેન્ટો, શાલ અને બુકે અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
રાજપીપલા ખાતે યોજાયેલા નર્મદા રત્ન એવોર્ડ-2026 કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા, ડીવાયએસપી પ્રેમલ પટેલ, રાજપીપળા નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા, ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયા, કિરણભાઈ વસાવા, મનોજભાઈ લાલકિયા સહિતના આગેવાનો અને વિવિધ ગામોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય, પોલીસ અને કાયદો-વ્યવસ્થા સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓને ‘નર્મદા રત્ન એવોર્ડ’ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સન્માનિત શ્રેષ્ઠીઓના યોગદાનની ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી હતી.
નર્મદા રત્ન એવોર્ડ-2026 કાર્યક્રમનું સમગ્ર આયોજન નર્મદા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી, લક્ષ્યમ હોન્ડા રાજપીપળા અને NMD ન્યૂઝ નેટવર્ક, નર્મદાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો મુખ્ય હેતુ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં નિષ્ઠાપૂર્વક અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓને જાહેર સન્માન આપી તેમનું મનોબળ વધારવાનો હતો.



