માતર નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતનો ભેદ ઉકેલી ફરાર ટ્રક ચાલકને મોરબીથી પોલીસે ઝડપી પાડ્યો

SHARE:

– પોલીસે ૩૦૦૦ સીસીટીવી ફૂટેજ અને ૮ ઈલેક્ટ્રિક કારના ડેશબોર્ડ કેમેરા ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી
ભરૂચ,
આમોદ તાલુકાના માતર ગામ નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર તાજેતરમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા બાદ અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રક ચાલકને શોધી કાઢવામાં આમોદ પોલીસને મોટી સફળતા મળી હતી. અકસ્માત બાદ ફરાર થયેલા ટ્રક અને તેના ચાલકને શોધવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી.લાંબી અને સઘન તપાસના અંતે ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસ ટ્રક સુધી પહોંચી હતી.
માતર નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર પાંચમી સપ્ટેમ્બરના રોજ સર્જાયેલા અકસ્માતમાં એક પરિવારને ગંભીર અકસ્માત નડ્યો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આમોદ પોલીસે અકસ્માતમાં સંડોવાયેલા અને ઘટનાસ્થળેથી ફરાર થયેલા ટ્રક ચાલકને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસે અકસ્માતના ઘટના સ્થળથી લઈને આસપાસના માર્ગો તથા ટ્રકની સંભવિત અવરજવરવાળા રૂટ પર આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન પોલીસે આશરે ૩૦૦૦ જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી.આ ઉપરાંત માર્ગ પરથી પસાર થયેલી ૮ ઈલેક્ટ્રિક કારના ડેશબોર્ડ કેમેરાના ફૂટેજ પણ ચેક કર્યા હતા.આટલી મોટી સંખ્યામાં ફૂટેજનું બારીકાઈથી વિશ્લેષણ કર્યા બાદ પોલીસને ટ્રકની હિલચાલ અંગે મહત્વની કડી મળી હતી. જેમાં ટ્રક કર્ણાટક પાસિંગનો હોવાનું સામે આવતા આમોદ પોલીસે તેની શોધખોળ તેજ કરી હતી.મળેલી માહિતીના આધારે પોલીસે ટ્રકને ટ્રેસ કરતાં મોરબી સુધી પહોંચી હતી. જ્યાંથી પોલીસે અકસ્માતમાં સંડોવાયેલા ટ્રકને શોધી કાઢી કબજામાં લીધો હતો અને તેના ચાલક મંજૂનાથ લક્ષ્મણ માસેટી રહે.બસરકોડ ગામ તા.મુદ્દેબિહાલ જી.બીજાપુર.કર્ણાટકની અટકાયત કરી હતી.આ સમગ્ર કામગીરી આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.કરમટિયા તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!