– વણાકપોર ગામે અવરનવર દેખાતો દીપડો આખરે પાંજરે પુરાયો
(ભાવેશ પંડયા,ભાલોદ)
ઝઘડિયા તાલુકામાં દીપડાઓનો વસવાટ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયો છે.દીપડો હવે જંગલ વિસ્તાર પૂરતો સીમિત ન રહેતા માનવ વસ્તી સુધી પહોંચી ગયો છે.ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળતો હતો.વણાકપોર ગામે થોડા દિવસ પહેલા એક સાથે 2 દીપડા CCTVમાં કેદ થયા હતા.ગામના રહેણાંક વિસ્તારો તથા આસપાસના ખેતરોમાં દીપડો અવરનવર દેખાઈ આવતો હોવાના કારણે લોકોમાં ચિંતા વધી હતી.દીપડાની સતત હાજરીને પગલે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે દીપડાને ઝડપી પાડવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું.આખરે દીપડો પાંજરામાં ઝડપાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
દીપડો ઝડપાતા વણાકપોર ગામ સહિત આસપાસના વિસ્તારમાંથી ગ્રામજનોએ રાહત અનુભવી હતી.વન વિભાગ દ્વારા દીપડાને સલામત રીતે તેના સુરક્ષિત કુદરતી રહેઠાણમાં મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.



