ભરૂચના કસકમાં વરસાદી કાંસનું ધોવાણ થતા આંગન એપાર્ટમેન્ટની પાર્કિંગની દિવાલ ધસી પડી

SHARE:

– કાટમાળ નીચે ફોર વહીલર ગાડીઓ દબાતા નુકશાન : પાણીનો નિકાલ ન થતા કસક વિસ્તારમાં પાણી ભરાતા લક્ઝરી બસો ફસાતા નોકરીયાતો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ અટવાયા

ભરૂચ,

ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસવાના કારણે જનજીવન પર અસર પડી છે.કસક વિસ્તારમાં વરસાદ વચ્ચે એક મોટો અકસ્માત થયો હતો. કસક વિસ્તારમાં આવેલી વરસાદી કાંસ નજીક આંગણ એપાર્ટમેન્ટના પાર્કિંગની દીવાલ અને જમીનનો મોટો હિસ્સો અચાનક ધસી પડ્યો હતો.આ કારણે પાર્ક કરેલી 7થી 8 જેટલી કાર કાંસમાં ખાબકી હતી.આ ઘટનામાં વાહનોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.કસક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે પસાર થતી કાંસમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો.પાણીના તેજ પ્રવાહને કારણે કાંસના કિનારે ધોવાણ થયું હતું. આ ધોવાણને કારણે આંગણ એપાર્ટમેન્ટના કાર પાર્કિંગનો મોટો હિસ્સો નબળો પડ્યો હતો. આ દરમિયાન પાર્કિંગની દીવાલ અને જમીનનો ભાગ અચાનક ધસી પડ્યો.સાથે જ શેડ પણ તૂટી પડ્યો હતો જેના કારણે પાર્ક કરેલી ફોર વહીલર ગાડીઓ કાટમાળ નીચે દબાઈને કાંસમાં ખાબકી હતી.આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશોમાં ભારે દોડધામ થઈ ગઈ હતી.સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, કસક વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો પ્રવાહ સોસાયટી પાછળથી પસાર થતી કાંસમાં આવતા પાણીનું ધોવાણ વધ્યું હતું.જેના કારણે પાર્કિંગનો મોટો ભાગ ધસી પડ્યો.રહીશોએ આ ઘટનાને તંત્રની બેદરકારી ગણાવી ગુસ્સો વ્યક્ત કર્યો છે.તેમણે માંગ કરી છે કે, વરસાદી કાંસનું કાયમી ધોરણે મજબૂત કરવામાં આવે અને જરૂરી રિપેરિંગ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. આ સિવાય, નુકસાનગ્રસ્ત વાહનોના માલિકોને થયેલા ભારે નુકસાન અંગે યોગ્ય વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે.

 

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!