રાજપારડી પાસે સારસા માતાના ડુંગરે સમા પાંચમનો ભાતીગળ મેળો ભરાતા ભક્તોનું ઘોડાપૂર

SHARE:

– સારસા માતાના દર્શન માટે ડુંગરથી રાજપારડી સુધી લાંબી કતારો જોવા મળી

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

રાજપારડીથી નેત્રંગ જવાના માર્ગ પર આશરે ત્રણ કિલોમીટરના અંતરે આવેલા સારસા માતાના ડુંગરે ભાદરવા સુદ પાંચમના પાવન પર્વ નિમિત્તે સમા પાંચમનો ભાતીગળ મેળો યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળામાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો.

સારસા માતાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી.દિવસ દરમ્યાન શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધતી જતાં સારસા માતાના ડુંગરથી રાજપારડી સુધી માનવમહેરામણ અને લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ કતારમાં ઊભા રહી માતાજીના દર્શન કરી પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

મેળાને લઈને ડુંગર પર તેમજ આસપાસના વિસ્તારમાં વિવિધ પ્રકારના સ્ટોલ અને લારીઓ ઉભી કરવામાં આવી હતી. ખાણીપીણીની લારીઓ, રમકડાં, ઘરવપરાશની ચીજવસ્તુઓ તથા વિવિધ વસ્તુઓના સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બાળકોમાં મેળાને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોએ રમકડાં અને મનોરંજનની વસ્તુઓ ખરીદી મેળાની મજા માણી હતી.મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં વાહન વ્યવહાર પણ વધ્યો હતો. ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સમા પાંચમના આ મેળામાં આસપાસના ગામો ઉપરાંત દૂરદૂરથી પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન સારસા માતાના ડુંગર પર ભક્તિ, શ્રદ્ધા અને મેળાની રોનક જોવા મળી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!