ભરૂચ,
ભરૂચમાં પર્યાવરણનું જતન થાય અને ગણેશ વિસર્જન બાદ જળ પ્રદૂષણ ન થાય તે હેતુથી રાઠોડ પરિવાર છેલ્લા પાંચ વર્ષથી ઘરે જ ઈકોફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવી રહ્યું છે.પરંપરા સાથે પર્યાવરણ સંરક્ષણનો સુંદર સમન્વય કરતી આ પહેલ લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
જુના ભરૂચમાં સાધના સ્કૂલ નજીક રહેતા રાઠોડ પરિવાર દ્વારા ગણેશજીની પ્રતિમા બનાવવા માટે પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરી છેલ્લા પાંચ વર્ષથી ઈકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવી રહ્યા છે.આ વર્ષે તેઓએ બેલેનસીંગ ગણપતિ થીમ આધારિત પ્રતિમા બનાવી છે.જેમાં પરિવાર દ્વારા વાંસની લાકડી,પટ્ટી, ટોપલી,રૂ,પેપર અને પૂઠાનો ઉપયોગ કરી 95 દિવસની મહેનત બાદ સાડા પાંચ ફૂટની પ્રતિમાનું સર્જન કર્યું છે જેને સ્વ હસ્તે ચંદનનો લેપ કરી નજીવા ખર્ચે આશરે સાત કિલોની પ્રતિમા તૈયાર કરી પરિવાર સાથે સવાર સાંજ ભક્તિ કરી રહ્યા છે.
છેલ્લા પાંચ વર્ષથી સતત ઈકોફ્રેન્ડલી પ્રતિમા બનાવી ઘરના સ્થાપના કરી રાઠોડ પરિવાર ગણેશોત્સવને ભક્તિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સાથે ઉજવવાનો સંદેશ આપી રહ્યું છે.રાઠોડ પરિવારની આ અનોખી પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.કારણ કે વિસર્જન દરમ્યાન નદી,તળાવ કે અન્ય જળાશયોમાં પ્રદૂષણ ન થાય તે માટે ઈકોફ્રેન્ડલી મૂર્તિના ઉપયોગ અંગે પણ પરિવાર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.




