ભરૂચની કે.જે.ચોકસી લાયબ્રેરીમાં અનોખો ગણેશોત્સવ : ઋષિ સ્વરૂપે શ્રીજી કરશે ‘વિશ્વ શાંતિ યાગ’

SHARE:

ભરૂચ,

ભરૂચની કે.જે.ચોકસી પબ્લિક લાયબ્રેરી હંમેશા તેના જ્ઞાનવર્ધક વાતાવરણની સાથે સામાજિક જાગૃતિના કાર્યો માટે જાણીતી છે. દર વર્ષની પરંપરા મુજબ,આ વર્ષે પણ લાયબ્રેરીના ગ્રંથપાલ અને કલાકાર નરેન્દ્ર કે.સોનાર દ્વારા જાતે માટી માંથી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું નિર્માણ કરી લાયબ્રેરીમાં તેની સ્થાપના કરવામાં આવનાર છે.આ વર્ષે શ્રીજીની સ્થાપના એક અત્યંત પ્રસ્તુત અને વિશેષ થીમ ‘વિશ્વ શાંતિ યાગ’ પર આધારિત છે.

છેલ્લા કેટલાક વર્ષોથી આખું વિશ્વ જાણે યુદ્ધની આગમાં હોમાઈ રહ્યું છે.જ્યાં જુઓ ત્યાં આક્રમણ અને હિંસાના સમાચારો જોવા મળે છે. મનુષ્ય જ મનુષ્યના નાશનું કારણ બની રહ્યો છે. આતંકવાદ અને યુદ્ધના કારણે લાખો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય બાળકો મૃત્યુ પામ્યા છે. માત્ર યુદ્ધ જ નહીં,પરંતુ કુદરતી હોનારતોને કારણે પણ અમૂલ્ય માનવજીવોનો નાશ થઈ રહ્યો છે.આવી દુઃખદ સ્થિતિમાં માનવતાનું સ્તર દિવસેને દિવસે કથળી રહ્યું છે.

આવા અશાંત વિશ્વમાં શાંતિ સ્થપાય,ભાઈચારો કેળવાય અને’જીવો અને જીવવા દો’ની ભાવના ફરી જાગૃત થાય તેવા ઉમદા હેતુથી આ વર્ષે ગણેશજીની પ્રતિમા ‘વિશ્વ શાંતિ યાગ’ કરતી બનાવવામાં આવી છે.આ વિશેષ પ્રતિમામાં વિઘ્નહર્તા ગણેશજીને’ઋષિમુનિ’ના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. તેમની સાથે અન્ય સાત નાની મૂર્તિઓ બનાવવામાં આવી છે.

જે’સપ્તર્ષિ’નું પ્રતીક છે.મુખ્ય ઋષિમુનિ સ્વરૂપે ગણેશજી આ સપ્તર્ષિઓ સાથે મળીને મંત્રોચ્ચાર સાથે યાગમાં આહુતિ આપશે અને હાલમાં વિશ્વને જેની સૌથી વધુ જરૂર છે,તે’વિશ્વ શાંતિ’સ્થપાય તેવા સંકલ્પો લેશે.

ગણેશજી દ્વારા થનાર આ પ્રતીકાત્મક ‘વિશ્વ શાંતિ યાગ’ ભારતના સંવિધાનના આર્ટિકલ ૫૧ ના ઉદ્દેશ્યને પણ સાકાર કરે છે,જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને પ્રોત્સાહન આપે છે. વિશ્વ શાંતિના પ્રયત્નોમાં ભારત દેશનું જે યોગદાન છે,તે સંદેશને સાર્થક કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે.

આપણે મનુષ્યલોકમાં પરસ્પર દ્વેષને કારણે જે અરાજકતા સર્જી છે તેને શાંત કરવા આ વિઘ્નહર્તા યાગ કરશે. આ વિશ્વ માત્ર મનુષ્યોનું જ નથી,પરંતુ પૃથ્વી પર શ્વાસ લેતા દરેક જીવનું છે.આ ઉત્સવ થકી માનવ સમુદાયને એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે પરસ્પર સ્નેહભાવથી હળીમળીને રહો અને આ સુંદર ધરતીમાતાને નષ્ટ થતી બચાવો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!