આમોદના અનોર ગામે બે બાઈક સામસામે અથડાતા કુરચણના યુવાનનું મોત

SHARE:

– અનોર ગામના બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો

ભરૂચ,

 

આમોદ તાલુકાના અનોર ગામે ગત રોજ બપોરના સમયે બે બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કુરચણ ગામના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.જ્યારે અનોર ગામના બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટનાને પગલે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અનોર ગામે રહેતા મંગળભાઈ કાલિદાસ સોલંકી બાઈક લઈને વાગરા નોકરી અર્થે જઈ રહ્યા હતા.દરમ્યાન તણછાથી અનોર તરફ આવી રહેલા કુરચણ ગામના બળદેવભાઈ નાગજીભાઈ ચૌહાણની બાઈક અનોર ગામ નજીકના વળાંક પાસે સામેથી આવી રહી હતી.

જ્યાં વળાંક હોવા છતાં બળદેવભાઈએ યોગ્ય રીતે વળાંક ન લેતા બાઈક રોંગ સાઈડ તરફ ગફલતભરી અને બેફિકરાઈથી હંકારી સામેથી આવી રહેલી મંગળભાઈની બાઈક સાથે ધડાકાભેર અથડાવી હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બાઈક ચાલકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા.અકસ્માતમાં કુરચણ ગામના બળદેવભાઈ નાગજીભાઈ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે અનોર ગામના મંગળભાઈ કાલિદાસ સોલંકીને પણ ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં આમોદ પોલીસે સ્થળ ઉપર પહોંચી અકસ્માતમાં મરણ જનાર બળદેવભાઈ નાગજીભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!