– રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વર્ષ 2024 માટે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા કલાકારો,દિગ્દર્શકો અને ફિલ્મમેકર્સને સન્માનિત કરવામાં આવ્યા
– ‘મારણ’એ મારી બાજી : કાર્તિક-મમૂટી બેસ્ટ એક્ટર, યામી બેસ્ટ એક્ટ્રેસ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાતના એકતાનગરમાં આજે ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો પૈકીના 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનો ભવ્ય સમારોહ યોજાયો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પૃષ્ઠભૂમિમાં યોજાયેલા આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વર્ષ 2024 માટે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા કલાકારો, દિગ્દર્શકો અને ફિલ્મમેકર્સને સન્માનિત કરવામાં આવ્યા. નેશનલ ફિલ્મ એવોર્ડ્સના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આ સમારોહ નવી દિલ્હીની બહાર યોજાયો છે.
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ માટે ગુજરાતના એકતાનગરની પસંદગી થતાં રાજ્ય માટે આ પ્રસંગ ખાસ બની ગયો હતો.અગાઉ આ સમારોહ મુખ્યત્વે નવી દિલ્હીમાં યોજાતો હતો.પરંતુ આ વર્ષે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહને દેશના અન્ય ભાગોમાં લઈ જવાની પહેલ હેઠળ એકતાનગરમાં આયોજન કર્યું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્ય પૃષ્ઠભૂમિ વચ્ચે યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને પુરસ્કાર અર્પણ કર્યા હતા.સમારોહમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકારો અને સર્જકોની ઉપસ્થિતિ જોવા મળી.
– આર્ટિકલ 370’ બેસ્ટ ફીચર ફિલ્મ, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ
આ વર્ષે ‘આર્ટિકલ 370’એ સૌથી મહત્વના એવોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ જ ફિલ્મમાં જ્યોતિ દેશવાલની ભૂમિકા ભજવનારી યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસ ઇન અ લીડિંગ રોલનો એવોર્ડ મળ્યો. ફિલ્મ માટે શાશ્વત સચદેવને બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન (સોંગ્સ) માટે પણ સન્માન મળ્યું છે. ફિલ્મ ‘આર્ટિકલ 370’ના દિગ્દર્શક આદિત્ય સુહાસ જાંભલે છે અને નિર્માણ Jio Studios તથા B62 Studios દ્વારા કરવામાં આવ્યું છે.
– કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર
અભિનયની કેટેગરીમાં આ વખતે બે કલાકારોએ સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવ્યો છે. ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યન અને ‘બ્રહ્મયુગમ’ માટે મમૂટી બેસ્ટ એક્ટર ઇન અ લીડિંગ રોલ બન્યા. કાર્તિક આર્યન માટે આ તેમનો પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડ છે. ‘ચંદુ ચેમ્પિયન’માં તેમણે પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ મમૂટીની ‘બ્રહ્મયુગમ’માં કરેલી કામગીરીને પણ રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું.
– ગુજરાતની ‘મારણ’એ જીત્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ
ગુજરાત માટે આ સમારોહની સૌથી મોટી ખાસિયત ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું રાષ્ટ્રીય સન્માન રહ્યું.‘મારણ’ને 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો રજત કમલ પુરસ્કાર મળ્યો છે. ફિલ્મના નિર્દેશક અભિષેક જૈન છે અને નિર્માતા સિનેમેન પ્રોડક્શન્સ લિમિટેડ છે.આ સન્માનથી ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય મંચ પર વધુ એક મહત્વપૂર્ણ ઓળખ મળી છે.
‘મારણ’ મહિલા સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મ છે. ફિલ્મમાં યશ સોની, દીક્ષા જોશી અને શ્રુહદ ગોસ્વામી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. રાષ્ટ્રીય પુરસ્કારની જાહેરાત બાદ ફિલ્મને લઈને ગુજરાતમાં પણ ખાસ ચર્ચા જોવા મળી હતી.
– અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ, રણદીપ હુડાને પણ સન્માન
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગને વર્ષ 2024નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે કન્નડ સહિત ભારતીય સિનેમામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ ઉપરાંત રણદીપ હુડાને ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ માટે બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો. અભિનેતા તરીકે જાણીતા રણદીપ હુડાએ આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું હતું.
બીજી તરફ ‘અમરન’ માટે રાજકુમાર પેરિયાસામીને બેસ્ટ ડિરેક્શનનો એવોર્ડ મળ્યો છે. ‘કલ્કી 2898 AD’ને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેઇનમેન્ટનો એવોર્ડ મળ્યો. ‘પુષ્પા: ધ રૂલ પાર્ટ-02’, ‘સ્ત્રી 2’, ‘ભૂલ ભુલૈયા 3’ સહિતની લોકપ્રિય ફિલ્મોએ પણ વિવિધ કેટેગરીમાં સન્માન મેળવ્યું છે.આ રીતે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સે એક તરફ ભારતીય સિનેમાના જાણીતા કલાકારોને સન્માનિત કર્યા છે, તો બીજી તરફ પ્રાદેશિક ભાષાની ફિલ્મોને પણ રાષ્ટ્રીય મંચ પર સ્થાન આપ્યું છે. ગુજરાતના એકતાનગરમાં યોજાયેલો આ સમારોહ ‘મારણ’ના રાષ્ટ્રીય સન્માનને કારણે ગુજરાતી ફિલ્મ જગત માટે પણ યાદગાર બની રહ્યો છે.
– આ ફિલ્મોને એવોર્ડ મળ્યા
શ્રેષ્ઠ ગઢવાલી ફિલ્મ – ધોલી
શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ – ભંગાર (મરાઠી, અંગ્રેજી)
શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ – મુકકમ પોસ્ટ બોમ્બેલવાડી
શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ – ફેમિનીચી ફાતિમા
શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ – મિથ્યા
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – શ્રીકાંત
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ – મારણ
શ્રેષ્ઠ તમિલ ફિલ્મ – રાયન
શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ – ચાલચિત્રા એકોન
– વિવિધ કેટેગરીના એવોર્ડ
શ્રેષ્ઠ કોરિયોગ્રાફી – સ્ત્રી 2 (વિજય ગાંગુલી)
શ્રેષ્ઠ ગીત – મેદાન (મનોજ મુન્તાશીર)
શ્રેષ્ઠ સંગીત – અમરન (જીવી પ્રકાશ કુમાર)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન – આર્ટિકલ 370
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈન – પુષ્પા 2
શ્રેષ્ઠ ઉત્પાદન ડિઝાઈન – કલ્કી 2898 એડી
બેસ્ટ એડિટિંગ – આમરણ
શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન – ભૂલ ભુલૈયા 3
શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે ઓરિજિનલ – પુષ્પા 2
શ્રેષ્ઠ દિગ્દર્શન – અમરન (રાજકુમાર પેરિયાસામી)



