– ડેરીના ઈતિહાસમાં પશુપાલક – સભાસદોને સૌથી વધુ કિલો ફેટનો ભાવ અપાયો
– ભેંસના દૂધના ખરીદ ભાવમાં 840 માં 60 નો વધારો આપી 900 કરાયો
– ગાયના દુધના ખરીદ ભાવમાં 835 માં 40 નો વધારો આપી 875 કરાયો
ભરૂચ,
ભરૂચની ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિ. દૂધધારા ડેરીની 67મી વાર્ષિક સાધારણ સભા ડેરી ખાતે ચેરમેન ઘનશ્યામ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં ડેરીના વિકાસ, કામગીરી તેમજ પશુપાલક- સભાસદોના હિતને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાના ઠરાવોનું વાંચન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ મંડળીઓના અવસાન પામેલા સભાસદોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ વાર્ષિક સભામાં પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. દૂધધારા ડેરીના ઇતિહાસમાં પશુપાલક-સભાસદોને કિલો ફેટના સૌથી વધુ ભાવ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભેંસના દૂધના કિલો ફેટના ખરીદ ભાવમાં 60નો વધારો કરી 840થી વધારીને 900 કરવામાં આવ્યો છે.જ્યારે ગાયના દૂધના કિલો ફેટના ભાવમાં 40નો વધારો કરી 835થી વધારીને 875 કરવામાં આવ્યો છે.
દૂધના ખરીદ ભાવમાં કરાયેલા આ વધારાને પગલે પશુપાલક-સભાસદોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા પશુપાલકો માટે આ ભાવવધારો આવકમાં વધારો કરનાર મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.મુંબઈ ખાતે આવેલા દૂધધારા ડેરીના પ્લાન્ટમાં દહીં અને પનીરના ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે પ્લાન્ટના વિસ્તરણને સભાસદો દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહની પહેલ હેઠળ, નાગરિકોને વ્યાજબી ભાવે શુદ્ધ ખાંડ મળી રહે તે માટે દૂધધારા ડેરી, નર્મદા સુગર ફેક્ટરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન વચ્ચે કરાર કરાશે. નર્મદા સુગર ફેક્ટરીની ઉત્તમ ગુણવત્તાવાળી ખાંડનું 1 કિલો અને 5 કિલોના પેકિંગમાં ભારત સુગર નામથી અમૂલ ફેડરેશન દ્વારા માર્કેટિંગ કરવામાં આવશે, તેવી જાહેરાત પણ ચેરમેને સભામાં કરી હતી.સભાસદોને બોનસની જાહેરાત સાથે દૂધ ઉત્પાદન વધારવા, વધુ ને વધુ દૂધ ડેરીમાં જમા કરાવવા, લક્ષ્યાંક વધારવા સહિતની હાંકલ પણ કરાઈ હતી.સાથે જ તેઓએ નવી કેડર ઉભી કરવા અને યુવાઓને તક આપવા પણ સભામાં સંકેત આપ્યા હતા.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ,વાઈસ ચેરમેન,ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત દૂધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ મંડળીઓના સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું.
દૂધધારા ડેરી દ્વારા પશુપાલકોને કિલો ફેટના ભાવમાં કરાયેલો આ વધારો દૂધ ઉત્પાદન ક્ષેત્રે જોડાયેલા સભાસદો માટે મહત્વપૂર્ણ આર્થિક લાભરૂપ બની રહેશે.




