– લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોના નવીનીકરણથી સ્થાનિકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને પડતી હાલાકીનો અંત આવશે
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામને કરાડ અને સિમધરા સાથે જોડતા બે મહત્વના માર્ગોના નવીનીકરણ માટેનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે આ બંને માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.અંદાજે રૂપિયા ૫ કરોડના ખર્ચે આ માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે, જેનાથી ગ્રામજનોને પડતી અગવડતાઓ દુર થશે.
ઉલ્લેખનીય છે કે, આ માર્ગો લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે ત્રસ્ત થઈ ગયા હતા. આ નવા માર્ગો તૈયાર થવાથી સ્થાનિક લોકો ઉપરાંત ખેતીવાડી માટે આવન-જાવન કરતા ખેડૂતો અને શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવા ઉપરાંત ભરૂચ જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચાના મંત્રી મહેશભાઇ પાટણવાડીયા, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન વસાવા, ધ્રુપલ પટેલ તથા રાજુભાઇ આહિર સહિતના સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. માર્ગોનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરીને ગ્રામજનોએ આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો.




