(વિજય વસાવા, નેત્રંગ)
ભરૂચના નેત્રંગ તાલુકાની એક આશ્રમ શાળામાં અભ્યાસ કરતી સગીર છાત્રા સાથે શાળાની રસોઈયણના પતિએ અડપલાં કર્યાની શરમજનક ઘટના સામે આવી છે.સમગ્ર મામલે છાત્રાએ હિંમત દાખવીને શિક્ષકોને જાણ કરતાં શિક્ષકોએ પોલીસને ખબર આપી હતી.પોલીસે સગીરાના પરિજનની ફરિયાદના આધારે આરોપી વસંત વસાવાની ધરપકડ કરી તેને જેલભેગો કરી દીધો છે.
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાની આશ્રમ શાળામાં રસોઈ બનાવતી મહિલાનો પતિ વસંત વસાવા અવારનવાર શાળા પરિસરમાં આવતો-જતો હતો.દરમ્યાન આ નરાધમે શાળાની એક માસૂમ 13 વર્ષની વિધાર્થિની સાથે અડપલાં કરી છેડતી કરી હતી. ભયભીત થયા વગર વિધાર્થિનીએ આ અંગેની આપવીતી શાળાના શિક્ષકોને જણાવી હતી. વિધાર્થિનીની વાત સાંભળી શિક્ષકોએ બનાવની ગંભીરતા સમજી તુરંત જ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સાથે છાત્રાના પરિજનોને પણ માહિતગાર કરાયા હતા.પરિજનની ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી વસંત વસાવાની ધરપકડ કરી હતી.નેત્રંગ પી.આઈ વી.એસ.વણઝારાએ માહિતી આપી હતી કે પરિજનોની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે.




