આમોદમાં શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચનો મેડિકલ સાધન સહાય સેવા પ્રકલ્પ

SHARE:

– જરૂરિયાતમંદ દર્દીઓને ૧૧ પ્રકારના ૪૫ મેડિકલ સાધનો નિઃશુલ્ક અપાશે

ભરૂચ,

આમોદમાં જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓને રાહત મળી રહે તેવા સેવાકીય હેતુથી શ્રી રેવા સેવા સમન્વય સમિતિ, ભરૂચ દ્વારા મેડિકલ સાધન સહાય સેવા પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે.ગાંધી જયંતિના પાવન દિવસે આ સેવાકીય પ્રકલ્પનું આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઉદ્દઘાટન પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જણાવ્યું હતું કે આ મેડિકલ સેવા પ્રજલ્પથી સમાજમાં સામાજીક સમરસતાની ભાવના વધુ મજબૂત બનશે.કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિના કાર્યકરો દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રકલ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ પ્રકલ્પનો મુખ્ય હેતુ આમોદ તથા આસપાસના વિસ્તારમાં રહેતા એવા જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકલ સાધનો ઉપલબ્ધ કરાવવાનો છે,જેઓ આ સાધનો ખરીદવામાં આર્થિક રીતે સક્ષમ ન હોય.આ સેવા પ્રકલ્પ અંતર્ગત દર્દીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કુલ ૧૧ પ્રકારના મેડિકલ સાધનોની ૪૫ જેટલી વસ્તુઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં હોસ્પિટલ બેડ, એર બેડ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર,સ્ટેન્ડ,વોકર, વ્હીલચેર, ટોયલેટ ચેર, સ્ટિક,ઓક્સિજન સિલિન્ડર, સ્ટ્રેચર તથા બેડ રેસ્ટ સ્ટેન્ડ સહિતના સાધનોનો સમાવેશ થાય છે.ખાસ કરીને લાંબા સમયથી બીમાર દર્દીઓ, વૃદ્ધો, અકસ્માત કે અન્ય કારણોસર ચાલવામાં અસમર્થ દર્દીઓ તેમજ ઘરે સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ મેડિકલ સાધનો ઉપયોગી સાબિત થશે.

આ સેવાકીય પ્રકલ્પ માટે ધારાસભ્ય ડી.કે. સ્વામી તરફથી પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું જણાવાયું હતું.

લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામી,શ્રી રેવા સેવા સમન્વય ટ્રસ્ટના કર્મચારી નચિકેતભાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આમોદ તાલુકા કાર્યવાહ ક્રિમેશભાઈ તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગાંધી જયંતિના દિવસે શરૂ કરાયેલ આ સેવાકીય પ્રકલ્પથી “સેવા પરમો ધર્મ”ની ભાવનાને સાર્થક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આમોદ અને આસપાસના જરૂરિયાતમંદ દર્દીઓ માટે હવે જરૂરી મેડિકલ સાધનો સરળતાથી અને નિઃશુલ્ક મળી રહેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!