(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ઝઘડિયાના સંજાલી ગામની સીમમાં ભેંસ ચરાવી રહેલ 12 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સંજાલી ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે.બપોરના સમયે પરિવાર સાથે ભેંસ ચરાવવા ગયેલી 12 વર્ષીય બાળકી પર ઝાડીમાં સંતાયેલા દીપડાએ અચાનક હુમલો કરતાં બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. સંજાલી ગામે રહેતા સંજય વસાવાના પરિવારના સભ્યો ભેંસ ચરાવી રહ્યા હતા તે દરમ્યાન ઝાડીમાં સંતાયેલા દીપડાએ 12 વર્ષીય બાળકી સંજના પર હુમલો કર્યો હતો.દીપડાના હુમલામાં બાળકીને ગાલ,કાન અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. જોકે,પરિવારજનોએ હિંમત દાખવી દીપડાનો પ્રતિકાર કરતાં દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
ઘટના બાદ ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક અવિધા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.સંજાલી ગામે દીપડાના હુમલાની આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.રહેણાક વિસ્તાર નજીક દીપડાના હુમલાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.




