– મધુભાઈના નિધનથી આપણે જૂની પેઢીના એક નિષ્ઠાવાન કલમનવીશ ગુમાવ્યા – દિપક માંકડે
કચ્છ,
કચ્છના વરિષ્ઠ પત્રકાર અને છેલ્લાં ૫૫ વર્ષથી ‘કચ્છ-સત્તા’ અખબારનું સફળ પ્રકાશન કરતા મધુકાંત રાયસોનીનું મુંબઈ ખાતે તા. ૩.૧૦.૨૬ ના રોજ દુઃખદ નિધન થતાં તેમના વિશાળ ચાહક વર્ગ અને પત્રકાર આલમમાં ઊંડા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ૯૧ વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લેનાર મધુભાઈનો જન્મ ૧૩.૫.૧૯૩૫ના રોજ કચ્છના ગુંદિયાળી ગામે થયો હતો. પત્રકારત્વ ઉપરાંત તેઓ જિલ્લા ગ્રામ રક્ષકદળના વડા તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા.
તેમની સુદીર્ઘ સેવાઓને બિરદાવતાં વર્ષ ૧૯૯૪માં શક્તિ તરફથી પત્રકાર રત્ન એવોર્ડ, ભગવતીધામ ભુજ તરફથી પત્રકાર ગૌરવ એવોર્ડ, ભારત સેવક સમાજ તરફથી સમાજ રત્ન અને પત્રકાર રત્ન એવોર્ડ તેમજ ગ્રામ રક્ષકદળના માનદ અધિકારી તરીકે જાગૃત પત્રકાર રત્ન એવોર્ડ સહિતના અનેક બહુમાનોથી તેઓ સન્માનિત થયા હતા. કચ્છ જિલ્લા પત્રકાર હિત રક્ષક સંઘ દ્વારા પણ તેમનું વિશેષ અભિવાદન કરાયું હતું.
તેમણે કારકિર્દીની શરૂઆતમાં કચ્છમિત્ર માં પત્રકાર તરીકે સેવાઓ આપી હતી.ત્યાર બાદ જનસત્તા અને લોકસત્તા ગ્રુપના અમદાવાદ તથા રાજકોટ આવૃત્તિ માટે કચ્છ ખાતે બ્યૂરો ચીફ તરીકે મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી.આ ઉપરાંત, મુંબઈ સમાચાર માટે કચ્છ જિલ્લાના પ્રતિનિધિ તરીકે કામગીરી સંભાળીને તેઓ નિયમિત જિલ્લા પત્ર લખતા હતા.
મધુભાઈનો ઓમાન તથા દુબઈ સ્થિત કચ્છી ઉદ્યોગસાહસિકો તેમજ મુંબઈમાં વસતા કચ્છી સમાજ સાથે સીધો અને ગાઢ નાતો રહ્યો હતો. કચ્છ-સત્તાના વાર્ષિક અંકમાં ઓમાનના સફળ કચ્છી વ્યવસાયકારોની પ્રેરણાદાયી વિગતો તેઓ નિયમિત પ્રસિદ્ધ કરતા.
તેમના અવસાન પર શોક વ્યક્ત કરતાં કચ્છમિત્ર ના તંત્રી દીપક માંકડે જણાવ્યું હતું કે મધુભાઈના નિધનથી આપણે જૂની પેઢીના એક નિષ્ઠાવાન કલમનવીશ ગુમાવ્યા છે અને કચ્છના પત્રકાર જગતમાં ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.
સદગતના નિધન પર એસોસિયેશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝ પેપર્સ ઓફ ઈન્ડિયાના રાજ્ય પ્રમુખ ઉપરાંત ફૂલશંકર પટ્ટણી સ્મારક સમિતિ ના મંત્રી અવિનાશ વૈદ્ય અને સભ્ય ચંદ્રવદન પટ્ટણીએ ભાવભીની અંજલિ અર્પી હતી.રાયસોની આ સ્મારક સમિતિના સ્થાપક સભ્ય પણ રહ્યા હતા.
સ્વ.મધુકાંતભાઈનો મિલનસાર સ્વભાવ, તેમની દીર્ઘકાલીન સેવાઓ અને કચ્છલક્ષી રચનાત્મક પત્રકારત્વ સૌના સ્મૃતિપટલ પર હંમેશાં જીવંત રહેશે.




