– સર્વોદય સોસાયટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શસ્ત્ર પૂજન કરાયું
ભરૂચ,
વિજયાદશમીની ઉજવણી નિમિત્તે આમોદમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ગત રોજ સાંજના સમયે સર્વોદય સોસાયટી ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. RSS ના યુવાનો દ્વારા કદમથી કદમ મિલાવી ઘોષવાદન સાથે આમોદ નગરના મુખ્ય માર્ગો જેવા કે તિલક મેદાન, મચ્છી માર્કેટ, જનતા ચોક, બહુચરાજી મંદિર ,રાણા સ્ટ્રીટ, દિલાવર મંઝીલ જેવા વિસ્તારોમાં પથ સંચલન કર્યું હતું.નગરજનો દ્વારા RSS ના યુવાનો ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.ત્યાર બાદ સર્વોદય સોસાયટી ખાતે પરમ પવિત્ર ભગવા ધ્વજનું પૂજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના મુખ્ય અતિથિએ સંઘના પંચ પરિવર્તનના પાંચ સૂત્રોને યાદ કરી દરેક હિંદુ સંઘઠીત બને તે માટે આહવાન કર્યું હતું.તેમજ સંઘના પાંચ સૂત્રો સામાજીક સમરસતા, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય,કુટુંબ પ્રબોધન અને સ્વદેશી વિચારો લોકો સમક્ષ રજૂ કર્યા હતા.ત્યાર બાદ સૌએ શસ્ત્ર પૂજન કર્યું હતું.




