ભરૂચ,
ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે કોંગ્રેસના વિરોધ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.પોલીસકર્મીને ધક્કો મારી ઈજા પહોંચાડવા અને સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવાના આક્ષેપસર કોંગ્રેસના કાર્યકર શૈલેષ પરમાર સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી અને બંધારણના રક્ષણ તથા કથિત વોટચોરીના વિરોધમાં ‘લોકશાહી બચાવો, દેશ બચાવો’ના સૂત્ર સાથે પદયાત્રા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં યોજાનારા કાર્યક્રમ માટે પાંચબત્તી સર્કલ ખાતે આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા હતા. આ દરમિયાન સૂત્રોચ્ચાર વચ્ચે કેટલાક કાર્યકરો રસ્તા પર આવી જતાં ટ્રાફિક વ્યવસ્થાને અસર થઈ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર કાર્યક્રમ માટે સક્ષમ અધિકારીની મંજૂરી ન હોવાથી પોલીસ દ્વારા કાર્યકરોને સ્થળ પરથી દૂર થવા જણાવાયું હતું. જોકે, વિરોધ ચાલુ રહેતાં પોલીસે અટકાયતની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર શૈલેષ પરમારે પોલીસકર્મી શક્તિસિંહ જીલુભાને ધક્કો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધક્કાને કારણે પોલીસકર્મીનો ડાબો હાથ બસના દરવાજા સાથે અથડાતાં આંગળીમાં ઈજા થઈ હતી.
ફરિયાદમાં અન્ય બે પોલીસકર્મીઓ શૈલેષભાઈ સોનાજી અને મહિલા પોલીસકર્મી કાજલબેન રમેશભાઈને પણ ઈજા પહોંચી હોવાનો ઉલ્લેખ છે.ત્રણેયને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.સમગ્ર મામલે પોલીસની કામગીરીમાં અવરોધ અને કર્મચારીઓને ઈજા પહોંચાડવાના આક્ષેપ સાથે શૈલેષ પરમાર સામે ફરિયાદ નોંધાતા ભરૂચના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.




