(વિજય વસાવા, નેત્રંગ)
નેત્રંગ-વાલિયા પંથકમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં વધુ એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાલિયા તાલુકાના મોદલીયા ગામના પાટિયા નજીક પૂરઝડપે આવતા ટેમ્પોએ ખેતરેથી પરત ફરી રહેલા આધેડને અડફેટે લેતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ગત તા. ૧૧-૧૦-૨૬ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં મોદલીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા ધીરુભાઈ છગનભાઈ વસાવા (ઉ.વ.૫૫) ગામના ખેતર પાસે ગયા હતા.ત્યાંથી રોડની બાજુએથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન નેત્રંગ તરફથી વાલિયા તરફ પૂરઝડપે ધસી આવેલા બંધ બોડીના છોટા હાથી ટેમ્પોએ તેમને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે ધીરુભાઈને મોઢા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.
આ બનાવને પગલે મૃતકના પરિવારમાં શોક છવાઈ ગયો છે.આ અંગે મૃતકના ભત્રીજા છત્રસિંગ બાલુભાઈ વસાવા (રહે.નિશાળ ફળિયું, મોદલીયા તા.વાલિયા)એ અકસ્માત કરનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વાલિયા-નેત્રંગ રોડ પર વધતા અકસ્માતોને લઈ બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની લોકમાગ ઉઠી રહી છે.




