– 4 વર્ષથી જોલવા ગામે કરિયાણીની દુકાન ચલાવતો મૂળ રાજસ્થાનના ગોવિંદ રેબારીની પોલીસે અટકાયત કરી
– 6.70 લાખની ગાંજાની ગોળી તેમજ મોબાઈલ મળી 6.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
– મૂળ રાજસ્થાનનો અને હાલ ભેંસલી રહેતા દુધારામ પાસેથી જથ્થો મેળવતા વોન્ટેડ જાહેર
ભરૂચ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા ભરૂચ જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઈન ભરૂચ’ અભિયાન અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW)એ મોટી કાર્યવાહી કરી છે.વાગરા તાલુકાના જોલવા ગામે ફિલાટેક્સ ચોકડી પાસે આવેલા પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ સામેની દેવ નારાયણ ટી કોર્નર નામની દુકાનમાં દરોડો પાડી પોલીસે રૂ. 6.70 લાખની કિંમતની 13 કિલો 400 ગ્રામ નશાકારક તરંગ વિજયાવટીની ગોળીઓ જપ્ત કરી છે.પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે,જ્યારે આ જથ્થો પૂરો પાડનાર રાજસ્થાની શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.જપ્ત કરાયેલા મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 6.95 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ભરૂચ એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ ઈન્સ્પેક્ટર કે.એલ. પટણીની આગેવાનીમાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ દરમ્યાન એ.એસ. આઈ જયેન્દ્રસિંહ મહોબતસિંહને બાતમી મળી હતી કે જોલવા ગામે દેવ નારાયણ ટી કોર્નર નામની દુકાનમાં ગોવિંદ નામનો શખ્સ નશાકારક ગોળીઓનું વેચાણ કરે છે.બાતમીના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી દુકાનમાં દરોડો પાડ્યો હતો.તપાસ દરમ્યાન ગોવિંદ શંકર રેબારી (ઉં.વ. 27) રહે.જોલવા, મૂળ રાજસ્થાન, દુકાનમાં નશાકારક તરંગ વિજયાવટીનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હોવાની વિગતો સામે આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ આ જથ્થો પોતાના આર્થિક લાભ માટે વેચાણ કરવાના ઈરાદે દુધારામ નામના રાજસ્થાની શખ્સ પાસેથી મંગાવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી 13 કિલો 400 ગ્રામ તરંગ વિજયાવટીની ગોળીઓ, કિંમત 6,70,000, તેમજ 25,000નો એક મોબાઇલ ફોન મળી કુલ 6,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મામલે દહેજ પોલીસ મથકમાં NDPS એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે ગોવિંદ શંકર રેબારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જથ્થો પૂરો પાડનાર દુધારામ નામના શખ્સનું પૂરું નામ-સરનામું જાણી શકાયું ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે ANWની આ કાર્યવાહીથી નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.




