– વૃદ્ધ પિતાને પથ્થરના ઘા મારી પતાવી દઈ પેટ્રોલ છાંટી મૃતદેહ સળગાવવાના ગુનામાં પુત્રની ધરપકડ
ભરૂચ,
આમોદ તાલુકાના ઇખર ગામની સીમમાં વૃદ્ધનો અર્ધબળેલી હાલતમાં મૃતદેહ મળી આવવાના ચકચારી બનાવમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ હત્યાનો ભેદ ઉકેલી મૃતકના પુત્ર મુસ્તાક ઉર્ફે અલી મહંમદ યુસુફ પટેલની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના ઇખર ગામે ગત રોજ મેસરાજ ગામ તરફ જવાના રોડ ઉપર આવેલા ઝાડી ઝાંખરામાં ૯૨ વર્ષીય મહંમદ યુસુફ ઉર્ફે ઈસપ પટેલનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.ત્યારે ભરૂચ જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ એલસીબી અને આમોદ પોલીસે સંયુક્ત કામગીરી કરી ડોગ સ્કોર્ડની મદદ લઈ તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે હત્યારાને શોધવાની કામગીરી હાથધરી હતી.એલસીબીને હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે મહંમદ યુસુફ ઉર્ફે ઇસપ પટેલના મર્ડરના કેસમાં તેના પુત્ર મુસ્તાક ઉર્ફે અલીની સંડોવણી હોવાની શક્યતાને આધારે શકમંદ મુસ્તાક ઉર્ફે અલીને તત્કાલિક ઝડપી પાડી ભરૂચ એલસીબી કચેરીએ લઈ જઈ ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપી પુત્રએ ગુનાની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે મરણ જનાર પોતાના વયોવૃદ્ધ પિતા ઇખર ગામમાં રૂપિયા માંગી લોકોને જાહેર કરતા હતા કે છોકરા મારી સારસંભાળ રાખતા નથી સારવાર કરાવતા નથી જેથી આ વાતથી ગામમાં બદનામી થતી હોવાથી ઘરમાં પિતા સાથે જીભાજોડી પણ થતી હતી જેથી વૃદ્ધ પિતાના વર્તનથી કંટાળી ગયેલા પુત્રએ છેલ્લા બે દિવસથી પિતાનું કાસળ કાઢી નાખવાનું વિચાર્યું હતું.જેના ભાગરૂપે પિતાજી નમાજ પતાવી ઘરે આવતા બહારનું કામ છે મદદમાં આવો તેમ કહી પિતાજીને ઇખર થી મેસરાજ જવાના રોડ ઉપર નહેર પાસેના ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો.ત્યાં ગુસ્સામાં આવી પિતાને માર મારી તેમજ પથ્થરથી છાતીના ભાગે મારતા જમીન ઉપર પડી ગયા હતા. તેમજ પિતાના ખિસ્સામાં રાખેલા રોકડા રૂપિયા લઈ લીધા હતા ત્યાર બાદ પ્લાસ્ટિકની કેનમાં લાવેલ પેટ્રોલથી તેઓને સળગાવી દીધા હતા.ત્યાર બાદ ઘરે આવી કોઈને શંકા ના જાય તે માટે પિતા ગુમ થયા હોવાનું જાહેર કર્યું હતું.
આમોદ પોલીસ તેમજ એફ એસ એલની ટીમે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પંચક્યાસની સહિતની કાર્યવાહી હાથધરી હતી.



