– હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સંકલ્પ સાથે મહિલા સખી મંડળોને પ્રોત્સાહન આપવા મેળાનો પ્રારંભ
– ૩૧ ઓક્ટોબર સુધી નાગરિકો મેળાની મુલાકાત લઈ શકશે
(સંજય પટેલ,જંબુસર)
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે જંબુસર નગરપાલિકા દ્વારા ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સંકલ્પને સાકાર કરવા માટે ‘આત્મનિર્ભર સખી સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ–૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે.જંબુસર નગરપાલિકાનાં પ્રમુખ ચૈતાલી પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા સાથે મહિલા સખી મંડળોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે.
મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ચૈતાલી પ્રજાપતિ, ચીફ ઓફિસર આર.એચ.પટેલ, ઉપપ્રમુખ દલપત વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ મહાનુભાવોના હસ્તે રિબન કાપીને મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
જંબુસર નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વદેશી મેળો તારીખ ૨૧ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી યોજાશે. આ સમયગાળા દરમ્યાન જંબુસર તથા આસપાસના વિસ્તારના નાગરિકો મેળાની મુલાકાત લઈ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી શકશે.મેળા થકી મહિલા સખી મંડળોને પોતાના ઉત્પાદનો લોકો સુધી પહોંચાડવાની તક મળી રહી છે, જેનાથી સ્થાનિક સ્તરે મહિલા આજીવિકા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.
ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે મહિલા સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવતી સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવું અને મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવી એ આ પ્રકારના મેળાના મુખ્ય હેતુઓ છે. મહિલાઓ પોતાની આવડત, કૌશલ્ય અને મહેનતના આધારે વિવિધ ઉત્પાદનો તૈયાર કરીને આર્થિક પ્રવૃત્તિઓમાં યોગદાન આપી શકે તે માટે આવા મેળા ઉપયોગી મંચ પૂરો પાડે છે.
તેમણે નાગરિકોને સ્વદેશી ચીજવસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી.સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓની ખરીદીથી મહિલા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન મળવાની સાથે સ્થાનિક આજીવિકાની તકોને પણ વેગ મળી શકે છે. ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’નો સંકલ્પ માત્ર સૂત્ર બનીને ન રહે, પરંતુ લોકોના રોજિંદા જીવનમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ દ્વારા સાકાર થાય તે માટે સૌએ સહયોગ આપવો જોઈએ તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
નગરપાલિકાના સભ્યો, ગુજરાત શહેરી આજીવિકા મિશન (GULM)નાં સમાજ સંગઠક ચાર્મી ભટ્ટ અને રેશમા પટેલ સહિત નગરપાલિકાના કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો તથા સખી મંડળોની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
‘આત્મનિર્ભર સખી સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ–૨૦૨૬’ જંબુસરની મહિલા સખી મંડળો માટે પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવાની તક પૂરી પાડે છે.સાથે જ નાગરિકોને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અવસર મળે છે.મહિલા સશક્તિકરણ, સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર અને સ્થાનિક આજીવિકાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલો આ મેળો જંબુસરના નાગરિકો માટે ખરીદીનું મંચ બનવાની સાથે મહિલાઓની આર્થિક સ્વાવલંબન યાત્રામાં સહાયક બની રહ્યો છે.



