– પરિવારની મુલાકાત લઈ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
ભરૂચ,
દેશની સુરક્ષા અને નાગરિકોની જાનમાલની રક્ષા કરતાં ફરજ દરમ્યાન શહીદ થયેલા પોલીસ જવાનોનું બલિદાન ક્યારેય ભુલાતું નથી.પોલીસ સંભારણા દિવસ નિમિત્તે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે શહીદ પીએસઆઈ એન.બી.બારોટ અને કોન્સ્ટેબલ ચતુરભાઈ ભીખાભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે શહીદ કોન્સ્ટેબલના પરિવારની મુલાકાત લઈ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.પોલીસની આ મુલાકાત દરમ્યાન પરિવાર પ્રત્યેની લાગણી જોઈ શહીદ કોન્સ્ટેબલનાં પત્નીની આંખો ભરાઈ આવી હતી.
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2019થી દર વર્ષે 21 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજીને પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના આદેશ અનુસાર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરજ દરમિયાન લોકોની જાનમાલની રક્ષા કરતાં શહીદ થયેલા પીએસઆઈ એન.બી.બારોટ અને કોન્સ્ટેબલ ચતુરભાઈ ભીખાભાઈને યાદ કરવામાં આવ્યા હતા.પીઆઈ એન.આર. ડામોર સહિત પોલીસ સ્ટાફે બંને શહીદ જવાનોના ફોટોગ્રાફ્સ પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના બલિદાનને યાદ કરી ફરજપરસ્તી પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ પીઆઈ એન.આર.ડામોર અને પોલીસ સ્ટાફ શહેરના રચના નગર ખાતે રહેતા શહીદ કોન્સ્ટેબલ ચતુરભાઈ ભીખાભાઈના નિવાસસ્થાને પહોંચ્યા હતા.ત્યાં પરિવારજનોની મુલાકાત લઈ તેમના ખબરઅંતર પૂછ્યાં હતાં. પરિવારને કોઈ મુશ્કેલી કે જરૂરિયાત હોય તો જણાવવા પણ કહ્યું હતું.પોલીસની આ મુલાકાતથી પરિવારને હૂંફ મળી હતી.શહીદ જવાનના પરિવાર પ્રત્યે પોલીસની લાગણી અને સંવેદનશીલતા જોઈ તેમનાં પત્નીની આંખો ભરાઈ આવી હતી.તેમણે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મુલાકાત બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પોલીસની કામગીરીનું એક માનવીય પાસું પણ સામે આવ્યું હતું.કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ સાથે પોતાના સાથી શહીદોના પરિવારને યાદ રાખવા અને તેમની પડખે ઊભા રહેવું એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.



