ભાડભૂત બેરેજ યોજના માટે સંપાદિત કરવામાં આવેલી જમીનનું વળતર છેલ્લા છ વર્ષથી નહીં ચૂકવાતા રોષ : અંકલેશ્વર નાના બોરબાઠા બેટ ગામે ખેડૂતોએ કામગીરી અટકાવી

SHARE:

– ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી અંકલેશ્વરના નાના બોરબાઠા બેટ ગામે ખેડૂતોએ અટકાવતા તંત્રમાં દોડધામ મચી
– કામગીરીને લઈને ખેડૂતો અને કોન્ટ્રાક્ટ કંપનીના કર્મચારીઓ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ
– જમીન સંબંધિત મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ
ભરૂચ,
અંકલેશ્વરના નાના બોરબાઠા બેટ ગામે ખેડૂતોએ ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી અટકાવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. 6 વર્ષથી વળતર ચુકવવામાં ન આવ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના નાના બોરબાઠા બેટ ગામે ભાડભૂત બેરેજ યોજનાની કામગીરીને લઈને ખેડૂતો અને કોન્ટ્રાક્ટ કંપનીના કર્મચારીઓ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી.પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવા પહોંચેલા કોન્ટ્રાક્ટ કંપનીના કર્મચારીઓને ખેડૂતોએ અટકાવતા સ્થળ પર દોડધામ મચી હતી.ખેડૂતોના આક્ષેપ મુજબ ભાડભૂત બેરેજ યોજના માટે સંપાદિત કરવામાં આવેલી જમીનનું વળતર છેલ્લા છ વર્ષથી મળ્યું નથી.આ ઉપરાંત આશરે 150 જેટલા સર્વે નંબરોને સરકારી જમીન તરીકે દર્શાવી દેવામાં આવ્યા હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.ખેડૂતોએ જમીનના રેકોર્ડમાં વિસંગતતા હોવાની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે એક જ જમીનની બે નકલો નીકળતી હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને જમીન સંબંધિત મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ‘લેન્ડ ટુ બી ટ્રાન્સફર’નો ઓર્ડર રદ કરવાનો હુકમ હોવા છતાં પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો નથી.હાઈકોર્ટમાં મામલો ચાલી રહ્યો હોવા છતાં કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે, સ્થળ પર પહોંચેલી પોલીસે મધ્યસ્થતા કરી ખેડૂતો અને કંપનીના કર્મચારીઓ વચ્ચેનો વિવાદ હાલ પૂરતો થાળે પાડ્યો હતો.ત્યારે હવે જમીનના વળતર અને રેકોર્ડની વિસંગતતાઓના મુદ્દે ખેડૂતોમાં અસંતોષ યથાવત્ છે,ત્યારે ભાડભૂત બેરેજ યોજનાની કામગીરીને લઈને આગામી સમયમાં શું સ્થિતિ સર્જાય છે તેના પર સૌની નજર રહેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!