હાંસોટના ઈલાવ ગામે બિરલા સેલ્યુલોઝીક કંપનીની પ્રદૂષિત પાણીની લાઈનમાં ભંગાણથી ક્ષારયુક્ત પાણી ખેતરોમાં ફરી વળતાં નુકસાન

SHARE:

– કંપનીએ ખેતીના નુકસાનનું વળતર ચૂકવવા ખેડૂતોની માંગ
ભરૂચ,
ભરૂચના હાંસોટ તાલુકાના ઈલાવ ગામ નજીક ખરચની બિરલા સેલ્યુલોઝીક કંપનીની પ્રદૂષિત પાણીનું વહન કરતી લાઈનમાં ભંગાણ સર્જાતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે.આશરે 25 કિલોમીટર લાંબી આ લાઈનમાં લીકેજ થતાં ક્ષારયુક્ત પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું.જેના કારણે ખેતીની જમીન અને પાકને નુકસાન થયું હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
લાઇનમાં ભંગાણના કારણે પ્રદૂષિત પાણી ખેતરોમાં ફેલાવા ઉપરાંત પાણીની કાંસમાં પણ પ્રવેશ્યું હતું.કાંસમાં આશરે એક કિલોમીટર સુધી પ્રદૂષિત પાણી વહેતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. બીજી તરફ ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં હાલમાં પાણી બંધ હોવાથી ખેતી માટે પાણીની અછત વચ્ચે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.ખેડૂત ધનેશ પટેલે જણાવ્યું હતું કે, તેમણે પોતાના ખેતરમાં ભાતનું તરુ રોપવા માટે ખેતર પાણીથી રવાળી તૈયાર કર્યું હતું અને વરાપ આવવાની રાહ જોઈ રહ્યા હતા.તે દરમ્યાન કંપનીની લાઈનમાં લીકેજ થતાં ક્ષારયુક્ત પાણી ખેતરમાં ફરી વળ્યું હતું.જેના કારણે હવે ભાતનું તરુ રોપી શકાય તેમ નથી અને જમીનને પણ નુકસાન થવાની ભીતિ છે.આથી કંપનીએ ખેતીના નુકસાનનું વળતર ચૂકવવું જોઈએ.બીજી તરફ ખેડૂત રાકેશ પરમારે જણાવ્યું હતું કે, અગાઉ તેમના ખેતર માંથી પાણીની લાઈન પસાર કરવામાં આવી ત્યારે કંપની દ્વારા રોજગારીની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી રોજગારી કે વળતર મળ્યું નથી.હવે ફરીથી લાઇનમાં લીકેજ થતાં ખેતીની જમીનને નુકસાન થયું છે. અગાઉ કંપની દ્વારા લાઈન ખેતર માંથી પસાર થતી હોવાના પુરાવા માંગવામાં આવ્યા હતા, ત્યારે હાલના ભંગાણથી નુકસાનના પુરાવા કંપની સામે જ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે કંપનીના પ્રતિનિધિ આનંદસિંહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કંપનીના એટીપી પ્લાન્ટ માંથી નીકળતા પાણીનું વહન કરતી લાઈનમાં ભંગાણની જાણ થઈ છે.લાઈનના સમારકામ માટે સૂચના આપી દેવામાં આવી છે.તેમજ ખેડૂતોને કંપનીની નીતિ પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!