ઝઘડિયા ડેપો માંથી બંધ થયેલ કેટલાક રૂટો પરની બસો ફરીથી ચાલુ કરવા ઝઘડિયા સંઘર્ષ સમિતિની માંગ

SHARE:

– ઝઘડિયા ડેપો મેનેજરને આવેદન આપી બંધ રૂટ સહિત અન્ય નવા રૂટ પર બસસેવા શરુ કરવા માંગ કરવામાં આવી

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેના એસ.ટી ડેપો માંથી અગાઉ ૪૦ થી ૪૨ જેટલા રૂટો પર બસસેવા ચાલું હતી.પરંતું ત્યાર બાદ કોરોના સમયે લોકડાઉન પછી આ પૈકીના કેટલાક રૂટ બંધ કરી દેવાતા હાલ મુસાફર જનતા હાલાકિ ભોગવી રહી હોવાની વાતો સામે આવી છે.ત્યારે આજરોજ ઝઘડિયા સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ઝઘડિયાના કિરીટ ગાંધી સહિતના કેટલાક જાગૃત નાગરીકોએ ઝઘડિયા એસ.ટી ડેપો મેનેજરને આવેદન આપીને બંધ થયેલ રૂટો પુનઃ ચાલુ કરીને જરૂરવાળા નવા રૂટ શરૂ કરવા માંગ કરવામાં આવી હતી.એસ.ટી વિભાગીય નિયામક ભરૂચને ઉદ્દેશીને આપવામાં આવેલ આવેદનમાં જણાવાયું હતું કે કોરોના સમય પહેલા ઝઘડિયા એસ.ટી ડેપો માંથી ૪૦ થી ૪૨ જેટલા રૂટ પર બસસેવા ચાલું હતી.કોરોના સમય દરમ્યાન બંધ થયેલ કેટલાક રૂટ હજુ ફરી ચાલુ નહિ કરવામાં આવતા હાલ ડેપો દ્વારા ફક્ત ૨૬- ૨૭ જેટલા રૂટોનું જ સંચાલન થાય છે,ઝઘડિયા એસ.ટી ડેપો ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારનું એકમાત્ર મથક હોઇ,આ આદિવાસી વિસ્તારને પુનઃ સઘન બસ સેવાનો લાભ મળવો જોઈએ.

આવેદનમાં વધુમાં જણાવાયા મુજબ અગાઉ ભરૂચ અને અંકલેશ્વરના રૂટ પર ચાલતી બસસેવા પૈકી જે હાલ બંધ છે તે ફરિથી પૂર્વવત કરવી જોઈએ. ઉલ્લેખનીય છેકે ભરૂચ અને અંકલેશ્વર જિલ્લાના બે મોટા શહેરો હોઈ આ પંથકના લોકોએ વિવિધ કામો માટે અવારનવાર ભરૂચ અંકલેશ્વર જવું પડે છે.તેથી બંધ થયેલ રૂટો ફરીથી ચાલુ કરવા માંગ કરવામાં આવી હતી.વળી ઝઘડિયા ડેપો માંથી ભરૂચ અને અંકલેશ્વર માટેના જે વિધ્યાર્થી પાસ ઇસ્યુ થાય છે તેને અનુરૂપ બસો ચાલવી જોઇએ. ઝઘડિયાથી જંબુસર, સેલંબા, ગાંધીનગર, માંડવી, પાલીતાણા, કારંટા, ધરમપુર જેવા રૂટો પૈકી જે રૂટ હાલ બંધ છે તે તેમજ જે નવા શરૂ કરવાની જરૂર હોય ત્યાં બસસેવા સઘન બનાવવા પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી.વળી વડોદરા મધ્ય ગુજરાતનું એક મહત્વનું મથક હોઈ વડોદરાના રૂટ પર બસસેવા નિયમિત બનાવી મુસાફરોને પડતી હાલાકિ દુર કરવા માંગ કરવામાં આવી હતી.ઉપરાંત ઝઘડિયાથી વાલિયા,નેત્રંગ,રાજપીપલા અને ડેડીયાપાડા સહિતના જરુરી રૂટો પર પણ બસસેવા વિસ્તૃત બનાવવાની જરૂર હોવાનું જણાવાયું હતું.ઉપરાંત ઝઘડિયા આસપાસના ૩૦ થી ૪૦ જેટલા ગામોના વિદ્યાર્થીઓ તેમજ નોકરી કરતા નોકરીયાત વર્ગના લોકો મોટી સંખ્યામાં રોજ ભરૂચ અંકલેશ્વર જવા આવવા  અપડાઉન કરતા હોઇ તેને અનુરૂપ બસો દોડાવવા પણ માંગ કરવામાં આવી હતી.ઉપરાંત ઝઘડિયા ડેપો દ્વારા સંચાલિત સુરત દાહોદ જેવા રૂટ વાયા ઝઘડિયા રાજપીપલા નસવાડી બોડેલી ગોધરા થઈ અથવા વાયા રાજપીપા પોઇચા ડભોઈ થઇને લઈ જવાય તો આ પંથકની મુસાફર જનતા માટે લાભદાયી ગણાશે એમ જણાવાયું હતી. જો આ બાબતે યોગ્ય નહિ કરવામાં આવે તો નાછુટકે આંદોલનનો આસરો લેવો પડશે એમ આવેદનમાં ચિમકી આપવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!