(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ફરીથી વાહનચોર સક્રિય બનતા વાહનમાલિકો ચિંતિત બન્યા છે.ઉમલ્લા નજીકના બામલ્લા ગામેથી રાત્રી દરમ્યાન ઘરના આંગણામાં પાર્ક કરેલ એક મોટર સાયકલ ચોરાવાની ઘટના બનતા તાલુકામાં ફરી એકવાર વાહનચોર સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે.
આ અંગે ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામના દેવન કરશન વસાવા રાજપીપલા ખાતે વીજ કંપનીમાં નોકરી કરે છે.તેમણે નોકરીએ જવા આવવા ૨૦૨૦ ના વર્ષ દરમ્યાન એક મોટર સાયકલ ખરીદી હતી
ગત તા.૭ મીના રોજ તેમણે નોકરીએથી આવ્યા બાદ મોટરસાયકલ ઘરના આંગણામાં પાર્ક કરીને મુકી હતી.ત્યાર બાદ રાતના દોઢ વાગ્યાના અરસામાં તેઓ જાગ્યા હતા અને ઘર બહાર નીકળ્યા ત્યારે ઘરના આંગણામાં પાર્ક કરેલ મોટર સાયકલ તેની જગ્યાએ દેખાઈ નહતી.તેથી તેમણે તેમની પત્ની અને બાજુમાં રહેતા ભત્રીજાને ઉંઘમાંથી જગાડીને આ બાબતની જાણ કરી હતી. ત્યાર બાદ મોટર સાયકલ આજુબાજુ તેમજ આસપાસના ગામોએ શોધવા છતાં મળી ન હતી.તેથી મોટર સાયકલને કોઈ અજાણ્યા ચોર ચોરી ગયા હોવાની ખાતરી થઈ હતી.ઘર નજીક પાર્ક કરેલ મોટર સાયકલની ચોરી થતાં તેને શોધવા છતાં કોઈ ભાળ ન મળતા દેવનભાઈ વસાવાએ ગતરોજ તા.૧૦ મીના રોજ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.




