આમોદ,
આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર ૧ માં નવી સ્કુલ મેનેજમેન્ટ કમિટી બનાવવાની હોય શાળા દ્વારા ઠરાવ કરી નગરપાલિકામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિનું નામ સૂચવવા જણાવ્યું હતું.જે બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખે પોતાની સહી સિક્કા સાથે નગરપાલિકાના લેટરપેડ ઉપર વોર્ડ નંબર છ માંથી અપક્ષ તરીકે ચૂંટાયેલા રોહિત કનુભાઈ માછીના નામની ભલામણ કરવામાં આવી હતી.જેથી વોર્ડ નંબર છ માંથી ચૂંટાયેલ ભાજપના સદસ્યોમાં નારાજગી જોવા મળી હતી.આ બાબતે આમોદ નગરમાં પ્રમુખની ભાજપ વિરોધી કામગીરીને લઈને અનેક ચર્ચાઓ જાગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલે વોર્ડ નંબર છ માંથી ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા બે સદસ્યો ઉષા પટેલ અને કમલેશ સોલંકી હોવા છતાં કેમ અપક્ષમાંથી ચૂંટાયેલા સદસ્ય રોહિત માછીના નામની ભલામણ કરી તે બાબતે આમોદનું રાજકારણ ગરમાયું છે.
અત્રે નોંધવું રહ્યુ કે આમોદ પાલિકાની અગાઉ મળેલી સામાન્ય સભામાં ખેતીવાડી બજાર સમિતિના ડિરેક્ટર તરીકે એક નામ સૂચવવાનું હતું ત્યારે પ્રમુખે અન્ય કોઈ સદસ્યોને જાણ કર્યા વગર પોતાના જ નામની ભલામણ કરી જાતે ઉમેદવારો નોંધાવી હતી.અને સામાન્ય સભામાં ચૂંટણી કરાવી અપક્ષ સદસ્યોના સમર્થનથી પાલિકા પ્રમુખ જલ્પા પટેલ આમોદ ખેતીવાડી બજાર સમિતિના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.ત્યારે ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા પાલિકા પ્રમુખ અપક્ષ નગરસેવકો ઉપર આટલા ઓળઘોળ કેમ છે તે નગરજનોને સમજાતું નથી.
આ બાબતે આમોદ નગરપાલિકા વોર્ડ નંબર છ ના ભાજપના બે સદસ્યો ઉષાબેન પટેલ તેમજ કમલેશ સોલંકીને પૂછતાં જણાવ્યું હતું કે આમોદ મિશ્રા શાળા નબર ૧ વોર્ડ નંબર છ માં આવે છે અને અમો સ્થાનિક સત્તાધારી પક્ષના ચૂંટાયેલા સદસ્યો હોવા છતાં અમોને સેન્સમાં લીધા વગર પાલિકા પ્રમુખ જલ્પા પટેલે અપક્ષ સદસ્ય રોહિત માછીની એસ.એમ.સી. (SMC)ભલામણ કરી છે.જે બાબતે અમોએ ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ આમોદ શહેર સંગઠન પ્રમુખ અને મહામંત્રીઓને જાણ કરી છે. આ બાબતે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીને પુછતા તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રમુખે અમોને એસ.એમ.સી.(SMC) બાબતે મને સેન્સમાં લીધો નથી.મને બે દિવસ પહેલા જ ખબર પડી છે.આ બાબતે હું અમારા મહામંત્રીઓ સાથે ચર્ચા કરી પાલિકા પ્રમુખ સામે એક્શન લઇશું.આ બાબતે આમોદ પાલિકા પ્રમુખ જલ્પા પટેલનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓ ફોન ઉપાડવાની તસ્દી પણ લેતા નથી.હાલ તો પાલિકા પ્રમુખના અપક્ષ સદસ્યના નામની ભલામણને કારણે આમોદ પાલિકાનું રાજકારણ ગરમાયું છે.ત્યારે આમોદના રાજકારણમાં કંઈક નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.




