આમોદ પાસે ‘ખાડા રાજ’ બનેલો નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત

SHARE:

એસ.ટી બસ મસમોટા ખાડામાં બંધ પડી જતા ટ્રેકટર સાથે બાંધીને બહાર કાઢવામાં આવી

આમોદ,

આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર ૫૦૦ મીટરનો રસ્તો વાહનચાલકો અને મુસાફરો માટે જોખમરૂપ બન્યો છે.છેલ્લા પાંચ દિવસથી નેશનલ હાઈવે ઉપર સતત અકસ્માતો થઈ રહ્યા છે,છતાં જીલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.આજે પાંચમા દિવસે પણ આમોદથી જંબુસર તરફ જઈ રહેલી એક પેસેન્જર ભરેલી એસ.ટી.બસ નેશનલ હાઈવે ઉપર આવેલા મસમોટા ખાડામાં બંધ પડી ગઈ હતી.જેથી બસમાં સવાર તમામ મુસાફરોને નેશનલ હાઈવે ઉપર પથરાયેલા કાદવ-કીચડમાં ઉતારવાની નોબત આવી હતી.બસ બંધ પડી જતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.જેથી સ્થાનિક લોકોની મદદથી બસને ટ્રેક્ટર સાથે બાંધીને બહાર કાઢવામાં આવી હતી.

ઊબડખાબડ બનેલા નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર છેલ્લા પાંચ દિવસમાં ટ્રક, બે ફોર-વ્હીલર અને ટેમ્પો સહિતના વાહનો ફસાયા હતા.નેશનલ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકોએ જીવના જોખમે મુસાફરી કરવાની નોબત આવી છે. મીડિયા દ્વારા બિસ્માર રોડ અંગેના વારંવાર અહેવાલ પ્રસિદ્ધ કરવા છતાં જાડી ચામડી ધરાવતા તંત્રના પેટનું પાણી હલતું નથી.જો તંત્ર વહેલી તકે કોઈ કાર્યવાહી નહીં કરે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની શક્યતા દેખાઈ રહી છે.


BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!