ભરૂચ,
ભરૂચ જિલ્લામાં પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા ચલાવવામાં આવી રહેલી ‘પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચકાસણી’ ઝુંબેશ અંતર્ગત SOG ભરૂચે એક મોટી સફળતા મેળવી છે.અંકલેશ્વરની યુનિયન બેંકમાં નિયમોનું ઉલ્લંઘન કરી હથિયાર રાખતા એક સુરક્ષા ગાર્ડને ઝડપી લેવામાં આવ્યો છે.
ભરૂચ SOG શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તનવીર મહમદફારૂકને એક ચોક્કસ બાતમી મળી હતી.તેમની બાતમી મુજબ, અંકલેશ્વર પીરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં ગાર્ડ તરીકે નોકરી કરતો શશિનાથ તિવારી નાગાલેન્ડના પરવાના પર હથિયાર રાખે છે,પરંતુ તેણે તેની નોંધણી સ્થાનિક વહીવટી તંત્રમાં કરાવી નથી.આ બાતમી પર તુરંત એક્શન લેતા પોલીસે તપાસ હાથધરી હતી અને બાતમી સાચી સાબિત થઈ હતી.
પોલીસે ૧૨ બોરની સિંગલ બેરલ બંદૂક કિંમત રૂપિયા ૨૫ હજાર અને ૧૨ નંગ જીવતા કારતૂસ ની કિંમત રૂપિયા ૧ હજાર મળી ૨૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 20 અને 30 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તપાસમાં બહાર આવ્યું કે આરોપી શશિનાથ આદિત્યનારાયણ તિવારી (મૂળ બિહાર) પાસે નાગાલેન્ડના દિમાપુરનો હથિયાર પરવાનો છે. જોકે, નિયમ મુજબ બીજા રાજ્યનો પરવાનો ધરાવતા શખ્સે સ્થાનિક મેજિસ્ટ્રેટ કચેરી અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવી ફરજિયાત હોય છે, જે આ ગાર્ડે કરી નહોતી.તે ૦૩/૧૧/૨૦૨૫ થી કોઈ પણ સત્તાવાર નોંધણી વગર હથિયાર સાથે નોકરી કરતો હોવાનું ખુલ્યું હતું.




