best news portal development company in india

ભરૂચ જીલ્લામાં બેફામ બનેલા ભૂમાફિયા સામે અંકલેશ્વર બી ડિવિઝનમાં માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ

SHARE:

– મૂલદ ટોલ પ્લાઝા પર ભુમાફિયાઓની માફીયાગીરી : બેરીયર તોડી નાસી જવાના ૨૦ દિવસમાં ૪ બનાવના સીસીટીવી આવ્યા સામે

ભરૂચ,

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા એક તરફ ભુમાફિયાઓ પર પર તવાઈ બોલાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખનીજ માફિયાઓ જાણે બેફામ બન્યા હોય તેમ ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર મુલદ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના છેલ્લા ૨૦ દિવસમાં ૪ બનાવ સામે આવ્યા હતા.જે ઘટનાને લઈને ટોલ ટેક્સ ખાતે પબ્લિક રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા મહંમદ યાકુબ પઠાણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ એકશનમાં આવી હતી.

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ ચાર ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુલદ ટોલ પ્લાઝા પર ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી.જેમાં એક મહિલા કર્મચારી બેફામ ટ્રક ચાલકોને રોકવા આવી હતી જોકે ટ્રકચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઇ ગયો હતો.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને ટ્રક ચાલકોની ધરપકડ કરવા માટે પોલીસની એક ટીમ તૈયાર કરવામાં આવી છે જે આરોપીઓની શોધખોળ કરી રહી છે.

ઝઘડીયાના સ્થાનિક આગેવાન ધનરાજ વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકામાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે.તેઓ ઉપર કોનો હાથ છે.તેઓ કોઈપણ જાતની રોકટોક વગર ગતિવિધિઓ ચલાવી રહ્યા છે.જો બે દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો મુલદ,ઝઘડીયા અને રાજપારડી ચોકડી ખાતે અમે જાતે રોડ ઉપર ઉતરીશું અને જનતા રેડ કરીશું.

બીજી તરફ વાયરલ થયેલ સીસીટીવીને લઈને ભરૂચના સ્થાનિક આગેવાન પિયુષ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે.જેની અરજી આપવામાં આવ્યા બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ દેખદેખુ કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે.સરકારની મિલીભગત અને લોકલ ભાજપના નેતાઓની મિલીભગત વગર આ શક્ય નથી.જેથી સામાન્ય જનતાનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે.જેથી આ લોકો પર તંત્ર દ્વારા લગામ લગાવવામાં આવે તેવી માંગ કરી હતી.

ભરૂચ જિલ્લા કિસાન સંઘના મહામંત્રી અને સામાજિક આગેવાન રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે બેફામ બનેલા ભૂમાફિયાઓએ ને કારણે અનેક લોકોના જીવ ગયા છે તે દુઃખની વાત છે.જેથી સરકારે કડક પગલા ભરવાની જરૂર છે.ભૂમાફિયાઓ પ્રકૃતિને નુકશાન પણ કરી રહ્યા છે જેથી સરકારે આવા લોકો પર લગામ લગાવવાની જરૂર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિના માં જ વેપારી મથક રાજપારડી ખાતે બજારમાં રેતી ભરેલ હાઈવા ટ્રકે ૧૧ વર્ષીય બાળકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું.જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.આવા છાશવારે સર્જાતા અકસ્માતને રોકવા તંત્રએ આગળ આવવાની જરૂર ઉભી થઈ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!