ભરૂચ,
ભરૂચ ગ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને જોડતો અત્યંત મહત્વનો રેલવે ગોદી માર્ગ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ.૨.૩૬ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ RCC માર્ગથી હજારો વાહન ચાલકોને મોટી રાહત મળશે.આ માર્ગ પરથી દરરોજ નાના–મોટા હજારો વાહનો પસાર થતા હોવાથી અગાઉ માર્ગ અત્યંત જર્જરિત બન્યો હતો. ખાડા અને ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને સતત હાલાકી તેમજ આર્થિક નુકશાન સહન કરવું પડતું હતું.આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવેલી અનેક રજૂઆતોને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા નગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.જેના અનુસંધાને સપ્ટેમ્બર મહિનામાં રેલવે ગોદી માર્ગની નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી.અંદાજે એક કિલોમીટર લાંબો અને ૮ મીટર પહોળો આ RCC માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે.ઉપરાંત માર્ગની બંને બાજુ કુલ ૫૨ સ્ટ્રીટ લાઈટો પણ લગાવવામાં આવી છે, જેથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને સુવિધા મળે.
માર્ગનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ,મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ,જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ચાર મહિનાથી બંધ રહેલો માર્ગ ફરીથી ખુલ્લો મૂકાતા જ સ્થાનિક વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવો માર્ગ ભરૂચ શહેરના ટ્રાફિકને સરળ બનાવવામાં તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે સંચાર સુગમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.




