(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર રોજબરોજ વધતા જતા અકસ્માતોને લઈને ધોરીમાર્ગ જાણે અકસ્માત ઝોન બની રહ્યો હોય એવું લાગે છે.અકસ્માતોની સંખ્યામાં એકનો વધારો થતો હોય એમ ગતરોજ તા.૪ થીના રોજ સવારના ઝઘડિયા રાજપારડી વચ્ચે સરકારી વાઘપુરા ગામના પાટિયા નજીક આવેલ મંદિર પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લેતા એક અજાણ્યા ભિક્ષુક જેવા ઈસમનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું.
આ અંગે ઝઘડિયા પોલીસ મથક માંથી મળતી વિગતો અનુસાર ગતરોજ તા.૪ થીના રોજ સવારના પોણા સાત વાગ્યાના અરસામાં સરકારી વાઘપુરા ગામના પાટિયા નજીક એક ૩૫ વર્ષ જેટલી ઉંમરના જણાતા અજાણ્યા ભિક્ષુક જેવા ઈસમનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ જણાયો હતો.આ અજાણ્યા ઈસમના માથા તેમજ છાતીના ભાગે કોઈ અજાણ્યા વાહનનું વ્હિલ ચડી ગયું હોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ આ અજાણ્યા ઈસમનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક તેનું વાહન લઈને સ્થળ ઉપરથી નાશી ગયો હતો.ઘટના સંદર્ભે રમેશભાઈ ચંદુભાઈ પઢિયાર હાલ રહે.ગામ સરકારી વાઘપુરા તા.ઝઘડિયા અને મુળ રહે.ગામ ખડોદી જી.આણંદનાએ ઝઘડિયા પોલીસ મથકમાં અકસ્માત કરી પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાશી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી.




