શિયાળાની ઠંડી જામતાં ભાલોદ ગામે ચોખાના લોટની પાપડી બનાવવાની પરંપરા ફરી જીવંત બની

SHARE:

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે શિયાળાની ઋતુનો પ્રભાવ વધતાં ગ્રામ્ય જીવનની પરંપરાગત સંસ્કૃતિ ફરી એકવાર ઉજાગર થઈ છે. ઠંડીની શરૂઆત સાથે જ ગામના દરેક મહોલ્લા અને ઘરોમાં ચોખાના લોટની પાપડી બનાવવાની પરંપરા ફરી જીવંત બની છે.વર્ષોથી ચાલી આવતી આ પરંપરા શિયાળામાં ખાસ કરીને ગૃહિણીઓ માટે રોજિંદી પ્રવૃત્તિ બની જાય છે.

શિયાળાની સવારમાં વહેલી તકે ગૃહિણીઓ ચોખા ધોઈ પીસી લોટ તૈયાર કરે છે. ત્યારબાદ લોટમાંથી નાની-નાની પાપડી બનાવી ખુલ્લા આંગણામાં સ્વચ્છ કપડા કે થાળીઓ પર પાથરીને સુકવવામાં આવે છે. શિયાળાની હળવી ઠંડી, શુષ્ક હવા અને પૂરતા તડકાના કારણે પાપડી સારી રીતે સુકાય છે, જેના પરિણામે તેનો સ્વાદ અને ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

ચોખાના લોટની પાપડી શિયાળામાં શાકભાજી સાથે, તળી કે શેકીને ખાવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં આ પાપડી દૈનિક ભોજનનો મહત્વપૂર્ણ ભાગ બની જાય છે. અગાઉ બજારમાં તૈયાર ખાદ્યવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ ન હોવાથી દરેક ઘર આ પાપડી જાતે બનાવતું હતું, જે પરંપરા આજે પણ ભાલોદ ગામે જાળવવામાં આવી છે.

આ પરંપરા માત્ર ખોરાક પૂરતી સીમિત નથી, પરંતુ સામૂહિક સંસ્કૃતિનું પ્રતિબિંબ પણ છે. પાપડી બનાવતી વખતે મહિલાઓ એકબીજાના ઘરે ભેગી થાય છે, પરસ્પર વાતચીત કરે છે અને પોતાના અનુભવ શેર કરે છે, જેના કારણે સામાજિક એકતા મજબૂત બને છે. બાળકો પણ આ પ્રક્રિયામાં રસ લેતા જોવા મળે છે, જેથી નવી પેઢી સુધી આ પરંપરા પહોંચે છે.

આધુનિક જીવનશૈલીના સમયમાં પરંપરાગત રીત-રિવાજો લુપ્ત થતા જાય છે, ત્યારે ભાલોદ ગામની મહિલાઓ દ્વારા ચોખાના લોટની પાપડી બનાવવાની પરંપરાને જીવંત રાખવી ખરેખર પ્રશંસનીય છે. શિયાળાની ઋતુ સાથે જોડાયેલી આ પરંપરા ગ્રામ્ય જીવનની સાદગી, સ્વાદ અને સંસ્કૃતિને ઉજાગર કરે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!