– પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી,હથિયારોની માહિતી સહિત ગુડ ટચ અને બેડ ટચ વિશે માર્ગદર્શન અપાયું
ભરૂચ,
ભરૂચ શહેરની ભારતી વિદ્યાલયના ધોરણ 8 અને 9ના કુલ 80 વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવેલી રેલ્વે પોલીસ અને આરપીએફ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓને રેલ્વે પોલીસની દૈનિક કામગીરી, સ્ટેશન પરની સુરક્ષા વ્યવસ્થા,શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે લેવામાં આવતા પગલાં, વિવિધ હથિયારો અંગેની માહિતી તેમજ લોકઅપ વ્યવસ્થા સહિત ગુડ ટચ અને બેડ ટચ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના મનમાંથી પોલીસ પ્રત્યેનો ડર દૂર કરવાનો હતો.“પોલીસ પ્રજાનો મિત્ર છે તેવો સંદેશ આપવાનો હતો.સાથે સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ, સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ દરમિયાન સાવચેતી, અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવાની તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાની માહિતી સાથે ગુડ ટચ અને બેડ ટચ ની માહિતી અપાઈ હતી.
આ પ્રસંગે ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ. દેસાઈ,પીએસઆઈ સુરેન્દ્રસિંહ રાણા, આરપીએફ પીએસઆઈ જ્યસિંઘ મીના, સ્ટેશન માસ્ટર પી.જી. મોર્યા અને સીએમઆઈ મોહસીન બદામ સહિતના અધિકારીઓએ છાત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.




