વાગરાના મુલેર ગામે હત્યાના પ્રયાસમાં સુરતથી બે આરોપીઓ ઝડપાયા

SHARE:

– મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર

– ગામના ૧૨૬ જેટલા જાગૃત નાગરિકોએ સહી સાથેની અરજી રજૂ કરી જામીનનો વિરોધ કરતા જામીન નામંજૂર 

ભરૂચ,

વાગરા તાલુકાના મુલેર ગામમાં ભયનું સામ્રાજ્ય ઊભું કરવાના ઈરાદે રચાયેલા હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ગત ૧૬મી ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનામાં વાગરા પોલીસે સુરતથી બે આરોપીઓની ધરપકડ કરી છે,જ્યારે મુખ્ય સૂત્રધાર ગણાતો હનીફ ગઠ હજુ પણ ફરાર છે.

ઘટનાની વિગતો મુજબ વાગરા તાલુકાના મુલેર ગામના બસ સ્ટેન્ડ નજીકથી જ્યારે મુબ્બસીર હનીફ ગઠ પાણીનું ટેન્કર લઈને પસાર થઈ રહ્યો હતો.ત્યારે મકસૂદ ઉમરજી પટેલે તેને રોકીને પૂછ્યું હતું કે, “તારા પિતા હનીફ ગઠ મને ફોન પર કચડી નાખવાની ધમકી કેમ આપે છે?” આ સાંભળતા જ ઉશ્કેરાયેલા મુબ્બસીરે તેના પિતાને ફોન કરી બોલાવ્યા હતા.થોડી જ વારમાં મુખ્ય સૂત્રધાર હનીફ ગઠ તેની ગાડીમાં સુફિયાન ગઠ સાથે આશરે ૧૦૦ની સ્પીડે ધસી આવ્યો હતો અને સીધી જ ગાડી મકસૂદ પટેલ પર ચઢાવી દીધી હતી.હુમલો એટલો ભયાનક હતો કે મકસૂદ પટેલ હવામાં ૨૫ ફૂટ જેટલા ફંગોળાયા હતા. આટલેથી ન અટકતા, આરોપીઓએ ગાડી રિવર્સમાં લઈ ફરીથી મકસૂદ પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્રણેય જણે ભેગા મળી તેમને ઢોર માર માર્યો હતો. ગ્રામજનો વચ્ચે પડતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા.ગંભીર રીતે ઈજાગ્રસ્ત મકસૂદભાઈને હાથ-પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.

આ ઘટના બાદ ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આરોપીઓએ આગોતરા જામીન મેળવવાના પ્રયાસો કર્યા હતા.પરંતુ મુલેર ગામના ૧૨૬ જેટલા જાગૃત નાગરિકોએ સહી સાથેની અરજી રજૂ કરી જામીનનો વિરોધ કર્યો હતો.લોકરોષ અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી.વાગરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વોન્ટેડ આરોપીઓનું પગેરું દબાવ્યું હતું.આખરે મુબ્બસીર ગઠ અને સુફિયાન ગઠ સુરતથી પોલીસના સકંજામાં આવી ગયા છે.હાલમાં પોલીસ પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને મુખ્ય સૂત્રધાર હનીફ ગઠ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!