– એકતાનગર સ્થિત એકતાનર્સરીના હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કેસુડાના ફૂલોથી બનતા હર્બલ સાબુની ખૂબ માંગ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદાના કેસુડાના ફુલ માંથી સાબુ બનાવી રાધે કૃષ્ણ મિશન મંડળ” ના બહેનોને વર્ષે અંદાજે રૂ. ૨ થી ૨.૫૦ લાખ આવકની પ્રાપ્તિ કરી છે.એકતાનગર સ્થિત એકતાનર્સરીના હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કેસુડાના ફૂલોથી બનતા હર્બલ સાબુની ખૂબ માંગ વધી છે.
(DAY-NRLM) હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નર્મદા દ્વારા રાધેક્રિષ્ના મિશન મંગલમ જૂથને સ્ટાર્ટઅપ, રિવોલ્વિંગ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ તથા કેશ ક્રેડિટ લોનની સહાય મળી છે.
નીરૂબેન તડવી જણાવે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અને પોતાના ખેતરો માંથી કેસુડાના ફૂલો એકત્રિત કરી ઘરે જ સાબુ બનાવીએ છીએ.નર્મદાના વન વિસ્તારમાં કેસૂડો વૃક્ષ ખીલી ઊઠ્યા છે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઉપરાંત આ કુદરતી સંસાધન સ્થાનિક મહિલાઓ માટે રોજગારીનું મહત્વપૂર્ણ સાધન પણ બની રહ્યું છે.
કોઠી ગામના “રાધે કૃષ્ણ મિશન મંડળ”ના પ્રમુખ નીરૂબેન તડવીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨માં ૧૦ બહેનો સાથે મંડળની શરૂઆત કરવામાં આવી.સરકારની દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નર્મદા દ્વારા સ્ટાર્ટઅપ ફંડ રૂ. ૨૫૦૦,રિવોલ્વિંગ ફંડ રૂ. ૧૫,૦૦૦, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ. ૧,૫૦,૦૦૦ તથા કેશ ક્રેડિટ લોન રૂ. ૨,૫૦,૦૦૦ની સહાય મળેલ છે.
વધુમાં નીરૂબેન તડવીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪માં કેસુડાના ફૂલો તથા અન્ય વનસ્પતિમાંથી હર્બલ સાબુ બનાવવાની તાલીમ મેળવી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અને પોતાના ખેતરોમાંથી કેસુડાના ફૂલો એકત્રિત કરી ઘરે જ સાબુ બનાવવામાં આવે છે, જેને મેળાઓમાં, ગામોમાં અને હોમ ડિલિવરી દ્વારા વેચાણ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિથી વર્ષે અંદાજે ૨ થી ૨.૫૦ લાખની આવક પ્રાપ્ત થાય છે. સરકારના સહયોગથી મંડળની બહેનો આત્મનિર્ભર બનીને અન્ય મહિલાઓને પણ રોજગારી માટે પ્રોત્સાહિત કરી રહી છે.
એકતાનગર ખાતે આવેલ એકતાનર્સરી સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ અને રોજગારનું સશક્ત કેન્દ્ર બની છે.અહીં હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કાર્યરત ગોરા ગામના સુમિત્રાબેન તડવીએ જણાવ્યું હતું કે કેસુડાના હર્બલ સાબુની ગરમીના સમયમાં માંગ વધે છે અને તેમાંથી દર મહિને અંદાજે રૂ. ૪૦ થી ૫૦ હજાર જેટલી આવક પ્રાપ્ત થાય છે.આ પહેલ સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.




