– પોલીસે પીક અપ ગાડીમાં લઈ જવાતા ૧૦ પાડા સાથે કુલ રૂપિયા બે લાખનો મુદ્દામાલ કબ્જે લઈને ગાડી ચાલકની અટકાયત કરી
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક પોલીસે એક પીકઅપ ગાડીમાં ખીચોખીચ પાડા ભરીને લઈ જવાના ગુના હેઠળ ગાડીના ચાલકને મુદ્દામાલ સહિત ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ રાજપારડી પીઆઈ બી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે એક પીક અપ ગાડી ગેરકાયદેસર રીતે પાડા ભરીને ઉમલ્લા તરફથી રાજપારડી તરફ આવે છે.પોલીસે મળેલ બાતમીના આધારે રાજપારડી નજીક સારસા ગામ પાસે વોચ ગોઠવી હતી.ત્યાર બાદ મળેલ બાતમી મુજબની પીક અપ ગાડી આવતા તેને રોકીને તપાસ કરતા ગાડીમાં ખીચોખીચ બાંધીને પાડા ભરેલા હતા.આ પશુઓ માટે ગાડીમાં ખાવાપીવા ઘાસચારાની કે પાણીની કોઈ વ્યવસ્થા હતી નહિ.ગાડીના ચાલકને નીચે ઉતારીને પશુઓની હેરાફેરી કરવા અંગેનો કોઈ આધાર પુરાવો માંગતા તે મળી શકેલ નહિ.પોલીસે ગાડીમાં ભરેલ પાડા નંગ ૧૦,એક મોબાઈલ તેમજ પીક અપ ગાડી મળી કુલ રૂપિયા ૨૦૦૫૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈને ગાડીના ચાલક જાવીદભાઈ શેખ રહે.ગામ ઉમલ્લા તા.ઝઘડિયાનાને અટકાયતમાં લઈને ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




